Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

હાઈકોર્ટમાં દાદા છૂટાછેડાની અરજી લઈને પહોંચ્યા, દાદીનું વલણ જીદ્દી પ્રકારનું છે

અમદાવાદ,

હાઈકોર્ટમાં દાદા છૂટાછેડાની અરજી લઈને પહોંચ્યા છે. લગ્ન જીવન શરુ કર્યા પછી પતિ-પત્ની બન્ને એક બીજાને ધીમે-ધીમે ઓળખવાનું શરુ કરે છે તેમાં કેટલાક બાંધછોડ પણ કરવા પડતા હોય છે. હવે હાઈકોર્ટમાં છૂટાછેડાનો એવો કેસ આવ્યો છે કે જે ભલભલાને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. યુવાન કે આધેડ નહીં પરંતુ દાદા-દાદીની ઉંમરે પહોંચેલા લગ્ન સંબંધો હવે છૂટાછેડા માટે કોર્ટમાં પહોંચ્યા છે.

આ છૂટાછેડાના અજીબ કેસમાં દાદાએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી અરજી રદ્દ થઈ જતા તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અહીં દાદી છૂટાછેડાની વિરુદ્ધમાં છે અને તેમણે આ અરજીને બહાલ કરવાની માંગ કરી છે. હવે આ કેસના ચુકાદા માટે મુદ્દત પડી છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી નાણાવટીએ આ કેસના અંતિમ નિકાલ માટે 25 સપ્ટેમ્બરની મુદ્દત આપી છે. હાઈકોર્ટની ખંડપીઠે પોતાના આદેશમાં નોંધ્યું છે કે, “અરજકર્તા પતિ અને પ્રતિવાદી પત્ની બન્નેને અમે સાંભળ્યા છે, જેમાં પત્ની કોઈ સમાધાન માટે તૈયાર નથી. પ્રથમ દર્શીય રીતે અમારો મત એ છે કે પત્નીનું વલણ જીદ્દી પ્રકારનું છે. આ લગ્નમાં હવે કશું બાકી રહ્યું નથી. ત્યારે અમે આશા રાખીએ છીએ કે બન્ને પક્ષ સાથે બેસીને કેટલાક મુદ્દાઓનું નિરાકરણ લાવે. અમે આ મુદ્દે સમાધાનનો રસ્તો કાઢવા માગીએ છીએ.” આ કેસમાં હવે 25 સપ્ટેમ્બરે એટલે કે એક મહિનાના સમય પછી કોઈ નિર્ણય લેવામાં આવશે. જેમાં કોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા છે તે પ્રમાણે કોઈ નિર્ણય લેશે.

હાઇકોર્ટે વૃદ્ધ પતિએ કરેલી છૂટાછેડાની અરજીમાં બન્ને પક્ષોની દલીલો સાંભળી જેમાં પત્નીએ પોતાની રજૂઆતમાં કહ્યું કે, “મહિલા છૂટાછેડા લેવા માટે તૈયાર નથી અને કેસની સુનાવણી બાદ જે આદેશ આવે તે સ્વીકાર્ય રહેશે.” બીજી તરફ પતિએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે નીચલી કોર્ટે છૂટાછેડાની અરજી રદ્દ કરી છે ત્યારે તેના પર સ્ટે મૂકવામાં આવે. કોર્ટે અહીં એવી પણ ટકોર કરી કે આ કેસમાં અરજદારના 30 અને 32 વર્ષના દીકરા દીકરી છે. જેમના પણ લગ્ન થઈ ગયા છે અને તેમના પણ બાળકો છે. એટલે કે પક્ષના અરજદારો દાદા-દાદી છે.

દાદા બની ગયા પછી પતિએ કરેલી છૂટાછેડાની અરજી લોકોને આશ્ચર્યમાં મૂકે તે સ્વાભાવીક છે. નોંધનીય છે કે અરજદાર પતિએ બીજા લગ્ન કર્યા છે અને ફેઈલ થયા છે. કોર્ટે કહ્યું કે, “આ મામલે વ્યવહારિક દૃષ્ટિકણ પણ રાખીએ તો શું થાય. બન્ને પક્ષો કેમ આ કેસનો અંત લાવતા નથી અને બેસીને કોઈ નિરાકરણ કેમ લાવતા નથી, પત્ની આ ઉંમરે આટલી નિશ્ચિંત છે કે તેમને સાસરિયમાં જવું છે, શું તેમનું માનવું છે કે તેઓ ત્યાં ખુશ રહેશે?” આ ટકોર અને બન્ને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે 25મી સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરશે જ્યાં મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *