સાજીદ સૈયદ, નર્મદા
સાગબારાથી ડેડીયાપાડા હાઇવે પર બે ફોરવ્હીલમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે 5 ઝડપાયા, 14 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 વોન્ટેડ
સાગબારાથી ડેડીયાપાડા તરફ આવતા હાઇવે પર 2 કારમાં દારૂના જથ્થા સાથે લઈ જવાતા સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે 5 ઝડપી પાડ્યા છે. 14.3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, પોલીસે 4ને વોન્ટેડ જાહેર કર્યા છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉદેપુર રાજસ્થાનથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો બે ફોર વ્હીલર કાર ટાટા નેકસોન તથા ટોયોટા ઇન્નોવામાં ભરી સાગબારાથી ડેડીયાપાડા હાઇવે રોડથી મોકલનાર છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફના માણસોએ સાગબારાથી ડેડીયાપાડા તરફ આવતા માચ ચોકડી પાસે હાઇવે પર વોચ ગોઠવી હતી. તે વેળાએ નંબર પ્લેટ વગરની ટાટા નેકસોન તથા ટોયોટા ઇન્નોવા કાર આવતા, તેની તપાસ કરવામાં આવી હતી. ત્યારે બંને કારમાંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જે બાદ પોલીસે કારમાં સવાર (1) સુખબીર રૂપરામ સુલખ ( રહે.દ્વારકા ગામ, થાના બાઢરા,તા.બાઢરા જી.બિવાની હરીયાણા),(2) નરેશ કિશનલાલ સાહું (રહે.આયડ ગામ, શબરી કોલોની થાના ભોપાલપુરા તા.ગ્રીવા,ઉદેપુર રાજસ્થાન), (3)સોહનસિંહ હરીસિંહ રાજપુત (રહે.મુણવાસ કૈલાસપુરી ગામ, થાના સુખેર તા.ગીરવા જી.ઉદેપુર રાજસ્થાન),(4) શંકરસિંહ કાલુસિંહ રાઠોડ (રહે.બેમલા ગામ, થાના .પુરાબડ તા. ગિરવા જી.ઉદેપુર રાજસ્થાન ) તથા (5) રવિન્દ્રસિંહ વિજયસિંહ દેવ (રહે.સાકરોદા ગામ, થાના કુરાબડ તા.ગિરવા જી.ઉદેપુર રાજસ્થાન) એમ મળી કુલ 5ની અટકાયત કરી છે.
આ બંને કારમાંથી કુલ બોટલ નંગ-2088 જેની કુલ કિંમત રૂ.3,61,385/- તથા રોકડા રૂપિયા.1000/- તથા મોબાઇલ નંગ-04 જેની કિં.રૂ.20,000/- તથા કાર નંગ-2 જેની કિં. રૂ.10,50,000/- એમ મળી કુલ કિંમત રૂપિયા 14,32,385/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.