સુરત,
સચિન જીઆઇડીસીમાં તલંગપુર રોડ પર આવેલી વસાહતમાં પોતાના ઘરે રમવા આવેલી ૮ વર્ષની બાળકી સાથે પડોશી યુવાને જ બળાત્કાર ગુજાર્યો હતો. જાેકે બનાવ સમયે પીડિતા બાળકીનો ૬ વર્ષનો ભાઇ પણ ત્યાં રમી રહ્યો હતો. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
સચિન જીઆઈડીસી પોલીસના જણાવ્યું પ્રમાણે, મધ્યપ્રદેશનું શ્રમજીવી પરિવાર તલંગપુરની એક ચાલમાં રહે છે. શ્રમજીવી પરિવારના ઘર નજીક રહેતો ૩૫ વર્ષીય મૂળ બિહારનો આરોપી ઉપેન્દ્ર ભીમલ સહની મજુરી કામ કરે છે. શ્રમજીવી પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત ૮ વર્ષની દીકરી રિતુ (નામ બદલ્યું છે) અને ૬ વર્ષનો દીકરો છે. રવિવારે સવારે રિતુના પિતા કામ પર ગયા હતા અને તેની માતા ઘરે કામ કરી રહી હતી ત્યારે માતાનો ફોન લઈને ઉપેન્દ્રના રૂમમાં રમવા ગઈ હતી. તે સમયે તેનો ભાઈ પણ તેની સાથે હતો. ઉપેન્દ્રના રૂમમાં રિતુ ફોન જાેઇ રહી હતી ત્યારે ઉપેન્દ્ર રૂમમાં હતો. તે સમયે ઉપેન્દ્રે રિતુ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ બાદ રિતુ ઘરે જતા તેની શરીરના ભાગેથી લોહી નીકળતું તેની માતાએ જાેયું. રિતુને પૂછતા તે ગભરાયેલી હતી. તાત્કાલિક તો રિતુએ તેની માતાને કંઇ જણાવ્યું નહીં પરંતુ થોડા સમય બાદ કહ્યું કે ઉપેન્દ્ર અંકલે તેની સાથે આવું કર્યું હતું. ત્યાર બાદ રિતુની માતાએ તેણીના લોહીના ધબ્બાવાળા કપડા ધોઈ નાખ્યા હતા.
રિતુના પિતા સાંજે ઘરે આવ્યા તે સમયે આસપાસના લોકોને ઘટના બાબતે હકિકત જણાવી હતી. પરંતુ કોઈએ પોલીસને જાણ કરી ન હતી. મોડી રાત્રે રીતુના પિતાએ સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આરોપી ઉપેન્દ્ર સહની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રીતુ તેના વતન દાદા-દાદીના ઘરે રહેતી હતી. એક મહિના પહેલા જ તે તેના વતનથી સુરત માતા-પિતાના ઘરે આવી હતી. પોલીસે ઉપેન્દ્રને પકડી લીધો છે.
બાળકી સાથે બળાત્કારનો બનાવ બન્યો પરંતુ પરિવારે પોલીસને જાણ કરી ન હતી. વિસ્તારમાં બળાત્કારની વાત ફેલાઈ હતી. તે વિસ્તારમાં પોલીસનો બાતમીદાર રહેતો હોવાથી તેણે સચીન જીઆઈડીસી પોલીસને ઘટના બાબતે જાણ કરી હતી. સચિન જીઆઇડીસી પીઆઇ જે.પી.જાડેજા અને એસીપી જે.કે.પંડ્યાએ સ્થળ પર જઈને રિતુના માતા-પિતાને મળીને બળાત્કારની ફરિયાદ આપવા સમજાવતા તેમણે ફરિયાદ આપી હતી.