સુરત, તા.૦૭
પ્રિન્સ રમતા-રમતા એસિડ પી ગયો હોવાની વર્દી સિવિલમાંથી આવી છે, એમ હે. કો. મનસુખાભાઈએ જણાવ્યું હતું. માસુમ પ્રિન્સનો કેસ મેડિકલ ઓફિસર ડો. નિશા ચંદ્રાએ અટેન કર્યો હતો. ડો. ચંદ્રાએ જણાવ્યું હતું કે, બાળકને તેની બહેને રમતમાં એસિડ પીવડાવી દીધું હોવાની હીસ્ટ્રી સાંભળતા તેઓ ચોંકી ઉઠયાં હતા. એસિડ પીવાથી માસુમ બાળકની અન્નનળી અને સ્વરપેટીમાં નુકસાન થવાની સંભાવના રહેલી છે. એસિડ જેવા પદાર્થો બાળકોના હાથે લાગે તેમ રાખવા જાેઈએ નહીં. માસુમ બાળકો આ પ્રકારના પદાર્થોના ગંભીર પરિણામોથી અજાણ હોય છે. ઘરમાં બાળકોને એકલા છોડી દેનારા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. જેમાં એક ચાર વર્ષીય બહેને રમત-રમતમાં બે વર્ષના ભાઈને એસિડ પીવડાવી દીધું હોવાની હકીકત સાંભળી સિવિલ હોસ્પિટલના તબીબો પણ ચોંકી ઉઠયાં હતા, અને પીડિત બાળકને તાત્કાલિક દાખલ કરી સારવાર શરૂ કરાવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ સોમવારે સવારે પાંડેસરા ખાતેની શાંતીનગર સોસાયટીમાંથી બે વર્ષીય પ્રિન્સ નામના બાળકને ૧૦૮-એમ્બ્યુલન્સમાં સિવિલમાં ખસેડાયો હતો. બાળકની સાથે આવેલી તેની માતાએ ફરજ પરના ડોક્ટરને બાળકે એસિડ પી લીધું હોવાનું જણાવ્યું હતું. માસુમ પ્રિન્સે કઈ રીતે એસિડ પીધું ? પ્રશ્નના જવાબમાં માતાનો જવાબ સાંભળી તબીબ અવાક થઈ ગયા હતા. તેણીએ કહ્યું હતું કે, પોતે બજારમાં ગઈ હતી. તે સમયે તેણીની ચાર વર્ષીય પુત્રી અને પ્રિન્સ ઘરમાં રમી રહ્યાં હતા. ત્યારે રમતા-રમતા પુત્રીએ પ્રિન્સને એસિડ પીવડાવી દીધું હતું. જેની જાણ થતાં અડોશ-પડોશના લોકોની મદદથી ૧૦૮-એમ્બ્યુલન્સમાં પ્રિન્સને લઈ સિવિલ આવી છે. આ મામલે પાંડેસરા પોલીસને સિવિલમાંથી જાણ થતાં હે. કો. મનસુખભાઈ તપાસ માટે આવ્યાં હતા. જાેકે, પ્રિન્સ કે તેની માતા પોલીસને વોર્ડમાં મળ્યા નહોતા.