સુરત,
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં સાડા ચાર વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ અડાજણમાં નવી કન્સટ્રક્શન સાઈટની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં નોકરી કરતા સિક્યુરીટી ગાર્ડે બાળકીને ટેરેસ પર લઈ જઈ પીંખી નાખી. શોધખોળ દરમિયાન બાળકી બેભાન અવસ્થામાં મળી આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં નવી પંજાબી સાઈટ પર મજૂરી કરી પેટીયું રળતા પરિવારની સાડા ચાર વર્ષની બાળકી ગુરુવારે બપોરે રમતાં રમતાં ગુમ થઇ ગઈ હતી. પરિવારે બાળકીની ત્રણથી ચાર કલાક સુધી શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય ના મળતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી.
બાળકી ગુમ થઈ હોવાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બાળકીની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પંજાબી સાઈટની ટેરેસ પર માસુમ બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મેડિકલ ચેકઅપમાં બાળકી સાથે રેપ થયું હોવાનું સામે આવ્યું હતું.
બાળકી સાથે રેપ થયું હોવાની વિગતો સામે આવતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક સિક્યુરિટીનો ડ્રેસ પહેરેલો વ્યક્તિ બાળકીને લઈને જતો દેખાય છે. સીસીટીવીના આધારે પોલીસે બાજુની બિલ્ડિંગના વોચમેનની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે બાળકીને રમવાના બહાને બાજુની બિલ્ડિંગ પર લઇ ગયો હોવાની અને દુષ્કર્મ આચર્યું હોવાનું કબૂલ્યું છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.