સુરતના કાપોદ્રા વિસ્તારમાં કામ કરતા ડિલિવરી મેનનું 13 લાખના હીરાનું પડીકું રસ્તામાં પડી ગયુ હતું.
કાપોદ્રા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે રિક્ષાચાલક પાસેથી શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યુ હતું.
પોલીસ કમિશનરે રિક્ષાચાલક અને પોલીસકર્મીઓનું સન્માન કર્યુ હતું.
હીરાના માલિકે રિક્ષા ચાલકની ઈમાનદારીની કદર કરી તેને પ્રોત્સાહિત ઇનામ આપ્યું હતું.
સુરત,
સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં રોજિંદા કરોડોની લેવડ દેવડ થતી હોય છે અને એક માર્કેટથી બીજા માર્કેટમાં હીરાની ડિલિવરી કરવામાં આવતી હોય છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડિલિવરી મેનનું કામ કરતા જીગર ઠાકર લાખો રૂપિયાના હીરા લઈને નીકળ્યો હતો જેમાં એક 13 લાખથી વધુનું હીરાનું પેકેટ વરાછા રોડના ઓવર બ્રિજ પર પડી ગયું હતું અને તે આગળ નીકળી ગયો હતો. જો કે પાછળથી આવતા રીક્ષા ચાલકને પેકેટ દેખાતા તેને લઈને પોતાના ઘરે મૂકી દીધું હતું.
હીરાનું પેકેટ પડી ગયું છે આ બાબતની જાણ ડિલિવરી મેનને થતા તેણે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને સીસીટીવી ફૂટેજ તપાસ કરતા રીક્ષા ચાલક દ્વારા પેકેટ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે રીક્ષા ચાલક અસલમ પાયકને શોધી કાઢ્યો હતો અને તમામ 13 લાખના હીરા સહી સલામત મળી આવ્યા હતા. ત્યારબાદ હીરાના પેકેટ મૂળ માલિકને કાપોદ્રા પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા હતા જેને લઈને પોલીસ કમિશનરે પોલીસકર્મી અને રિક્ષાચાલક અસલમ પાયકનું સન્માન કર્યુ હતું. સાથે હીરાના માલિકે રિક્ષા ચાલકની ઈમાનદારીની કદર કરી તેને પ્રોત્સાહન રૂપે 11 હજારનું રોકડ ઈનામ પણ આપ્યું હતું. કાપોદ્રા પોલીસના સ્ટાફે 8 દિવસ સુધી સીસીટીવી ફૂટેજ વર્ક આઉટ કરી કામગીરી કરી બતાવી હતી જેને લઈને પોલીસ કમિશનર દ્વારા કાપોદ્રા પોલીસને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.