સુરતમાં રત્નકલાકારે દેવું વધતા યુટ્યુબ પરથી શીખી લુંટ, જ્વેલર્સમાં જઈને કર્યું ‘પ્રેક્ટિકલ’ પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો
સુરત શહેરમાં હત્યા, ચોરી, લુંટ, દુષ્કર્મ વગેરેની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ લુંટની વધુ એક ઘટના કતારગામ વિસ્તારમાંથી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, એક રત્નકલાકારને દેવું થઈ ગયું હોવાના કારણે રત્નકલાકારે યુ-ટ્યુબ પર વીડિયો જોઈને લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને એક જ્વેલર્સમાં જઇને જ્વેલર્સના માલિકની આંખમાં મરચાની ભૂકી નાખી 5 ચેનની ચોરી કરી રત્નકલાકાર ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં રત્નકલાકારને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામની પારસ સોસાયટી પાસે શાલીભદ્ર રેસીડેન્સીમાં રહેતા દર્શનભાઇ પ્રવિણભાઇ શાહ કતારગામ આંબા તલાવડી પાસે મારૂતીનંદન રેસીડેન્સીમાં સમોર ગોલ્ડ પેલેસના નામે જ્વેર્લસનો વેપાર કરે છે. આ દરમિયાન એક રત્નકલાકાર ગુરૂવારના રોજ સવારના સમયે ગ્રાહક બનીને ગયો હતો. હિતેશ વસાણીએ જ્વેલર્સના માલિકને સોનાની ચેન બતાવવાનું કહ્યું હતું. તેથી જ્વેલર્સના માલિકે 5 જેટલી ચેન બતાવી હતી. પરંતુ હિતેશ વસાણીના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું.
હિતેશ વસાણીએ સોનાની ચેન જોતા જોતા એકાએક જ પોતાની પાસે રહેલ એક બેગમાંથી મરચાની ભૂકી કાઢી હતી અને જ્વેલર્સના માલિકની આંખમાં છાંટી દીધી હતી. ત્યારબાદ મોકો જોઈને સોનાની 5 ચેન લઈને હિતેશ વસાણી ફરાર થઈ ગયો હતો. જો કે, જ્વેલર્સનો માલિક હિતેશને પકડવા માટે તેની પાછળ દોડ્યો હતો, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો.
જ્વેલર્સની બહાર આવેલા દર્શનભાઇએ ચોર-ચોરની બુમો પાડી હતી પરંતુ ત્યાં સુધીમાં અજાણ્યો યુવક ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના જવેલર્સમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બીજી તરફ જ્વેલર્સના માલિકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી અને પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ CCTV ફૂટેજના આધારે હિતેશના ભાઈ સુધી પહોંચી હતી અને ત્યારબાદ હિતેશ વસાણીની માત્ર દોઢ કલાકના સમયમાં જ કતારગામ દરવાજાથી ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, હિતેશ વસાણીએ 3.77 લાખની 5 સોનાની ચેનની ચોરી કરી હતી, પરંતુ જ્યારે તે પકડાયો ત્યારે તેની પાસેથી 3 ચેન પોલીસને મળી આવી હતી. તેથી પોલીસે 2.37 લાખની 3 ચેન અને હિતેશની બાઈક સહિતનું મુદ્દામાલ જપ્ત કરી હિતેશ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં હિતેશે જણાવ્યું હતું કે, તેના પર 5 લાખનું દેવું થઈ ગયું હોવાના કારણે આ દેવું ચૂકવવા માટે તેને યુટ્યુબ પર એક વીડિયો જોઈને લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તે જ્વેલર્સમાં લૂંટ કરવાના ઇરાદે ગયો હતો અને ત્યાંથી 5 ચેન લઈને ભાગી ગયો હતો. પરંતુ પોલીસ દ્વારા આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી હતી.