ભાજપને વોટ આપીને ભૂલ કરી, હવે વોટની ભીખ માંગવા ન આવતા
સુરત,તા.૧૯
ભાજપ વિરોધી સૂર સમગ્ર સુરત શહેરમાં જાેવા મળી રહ્યો છે. સત્તાધીશો તેમજ અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે, એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે લોકોના પ્રશ્નોના નિકાલમાં કંઈપણ ન હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે. વિશેષ કરીને જ્યારે શહેરના મેયરના અડાજણ વોર્ડમાં જ લોકો વિકાસનાં કામોથી વંચિત રહી જતા હોય તો અન્ય વોર્ડમાં કયા પ્રકારની સ્થિતિ હશે એ સમજી શકાય છે. એને લઈને ભાજપ વિરોધી બેનર લાગ્યાં છે, જેમાં ૨૫ વર્ષથી ભાજપને વોટ આપીને ભૂલ કરી, હવે વોટની ભીખ માગવા ના આવતા હોવાનું લખ્યું છે.
મેયર હેમાલી બોઘાવાલાના વોર્ડમાં જ લોકોએ ભાજપ પક્ષની કામગીરીને લઇને પોતાની વ્યથા બેનર થકી દર્શાવી છે. અડાજણ વિસ્તારની હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરમાં ભાજપને વોટ આપીને ભૂલ કરી હોવાનાં લખાણો લખ્યાં છે. ૨૫ વર્ષથી કોઈપણ સ્વાર્થ વગર ભાજપના પડખે ઊભા રહીને તેમને સત્તા પર આરૂઢ કરવામાં હિમગિરિ સોસાયટીના લોકોએ યોગદાન આપ્યું છે. વોટ સમયે ભાજપના નેતાઓ વારંવાર તેમની સોસાયટીઓમાં આવીને ભાજપ તરફી વોટ કરવા માટે સમજાવે છે અને વચન આપે છે. તેમના શાસનમાં વિકાસ કામોને લઈને કોઈપણ પ્રકારની કસર રહેશે નહીં, પરંતુ આજે સ્થાનિક હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરો લગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.