Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

સાબરમતી પો.સ્ટેશનના એએસઆઇના પુત્રી મરવાનું કહી ગુમ થતાં ચકચાર


અમદાવાદ,
મહિલા અત્યાચારના બનાવો વધી રહ્યા છે. તેનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી. અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનના એએસઆઈના પુત્રી ‘હું મરવા માટે જઉ છું’ કહીને ગુમ થયા છે. તેમણે પિતાના નામે ઓડિયો ક્લિપ છોડી છે. જેમાં પોતાની સ્થિતિ વર્ણવી હતી. તો બીજી તરફ, પોલીસે તેમના અંતિમ લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે કાર્યરત ગિરીશદાન ગઢવીના દીકરી સોનલબેનના લગ્ન ૧૪ વર્ષ પહેલા ભરૂચમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પી. એસ. ગઢવીના દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયાં હતાં. ૧૪ વર્ષના લગ્નજીવન બાદ પણ સોનલબેન સાસરીએ ખુશ ન હતા. તેમને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. આ કારણે તેઓ ત્રણ મહિના પહેલા પિયર આવી ગયા હતા. પરંતુ ગુરુવારે સવારે ૫ વાગ્યે અચાનક તેઓ પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને પિતાના નામે એક ચિઠ્ઠી તથા એક ઓડિયો છોડ્યો હતો.

ચિઠ્ઠીમાં સોનલબેને લખ્યુ હતું કે, ‘હું મરવા જઉં છું. એ મને વારંવાર મરવાની બીક બતાવતો હતો, એ શું મરવાનો હતો હું જ તેને મરીને બતાવી દઈશ.’ તો આ ઉપરાંત તેમણે પોતાના પિતાને એક ઓડિયો ક્લિપ પણ મોકલી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘હું એવી રીતે મરીશ કે તમને કદાચ મળીશ પણ નહિ.’
સોનલબેનના બંને મેસેજથી પોલીસ પરિવાર દોડતો થયો હતો. તેમના મોબાઈલના લોકેશનના આધારે તપાસ શરૂ કરાઈ હતી. તેમનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરના દૂધરેજની નર્મદા કેનાલ બતાવતું હતું. ગુરુવારે મોબાઇલનું છેલ્લુ લોકેશન રાત્રીના ૧.૩૫ વાગે સુરેન્દ્રનગરની કેનાલનું હતુ. તેથી તેમના પરિવારજનો સુરેન્દ્રનગર દોડી આવ્યા હતા. આ વિશે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરીને ૮ કલાક સુધી કેનાલમાં શોધખોળ પણ કરાઈ હતી. પરંતુ સોનલબેનની કોઈ ભાળ મળી નથી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *