સાઉદીઅરેબિયા,તા.૦૪
સાઉદી અરેબિયાના ઉત્તરીય ક્ષેત્રમાં ઘણા પર્વતો છે. આમાં જબલ અલ-લોજ, જબલ અલ-તાહિર અને જબલ અલકાન સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલા છે. જબલ અલ-લોજ પર્વત ૨૬૦૦ મીટર ઊંચો છે અને તેને અલમંડ માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વતના ઢોળાવ પર બદામના ઘણા બગીચા છે. આ પ્રદેશમાં દર વર્ષે વિવિધ ઋતુઓમાં હિમવર્ષા થાય છે. તબુકનો વિસ્તાર જાેર્ડનને અડીને આવેલો છે. આ વિસ્તારમાં બરફ પીગળ્યા બાદ એક સુંદર નજારો પણ જાેવા મળે છે. સાઉદી અરેબિયામાં ભારે હિમવર્ષાને સમગ્ર ખાડી દેશો માટે ખૂબ જ દુર્લભ ઘટના કહેવામાં આવી રહી છે.
ખાડીના દેશોમાં એક સપ્તાહ પહેલા જ બરફીલા શિયાળાની મોસમનું આગમન થયું છે. રાત્રીના સમયે ફૂંકાતા ઠંડા પવનોને કારણે અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસ સુધી પહોંચી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો દિવસે ગરમી અને રાત્રે ઠંડી સામે ઝઝૂમી રહ્યા છે. સાઉદી અરેબિયામાં ઘણા લોકોએ ભારે હિમવર્ષાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સાઉદી અરેબિયાના હવામાન વિભાગે આગામી દિવસો માટે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે દેશના ઘણા ભાગોમાં રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોએ રાત્રે બહાર નીકળતી વખતે ઠંડીથી પોતાને બચાવવું જાેઈએ. ભારે હિમવર્ષાથી સાઉદી અરેબિયાનો આસિર વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. સાઉદી અરેબિયા સિવાય પણ આવા ઘણા રણના દેશો છે, જ્યાં ઠંડીની મોસમમાં ભારે હિમવર્ષા થાય છે. આફ્રિકન દેશ અલ્જીરિયા પણ તેમાંથી એક છે. રણ અને ભીષણ ગરમી માટે પ્રખ્યાત સાઉદી અરેબિયામાં વર્ષના પ્રથમ દિવસે થયેલી હિમવર્ષાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. રણની સોનેરી રેતી પર બરફની સફેદ ચાદર માઈલો દૂર સુધી ફેલાયેલી જાેવા મળે છે. સાઉદી અરેબિયાના ઉત્તર-પશ્ચિમ શહેરમાં કુદરતની આ અનોખી રમતનો સ્થાનિક રહેવાસીઓ ભરપૂર આનંદ માણી રહ્યા છે. તબુક નજીક સ્થિત અલ-લોજ પર્વત પર આ હિમવર્ષાનો આનંદ માણવા હજારો પ્રવાસીઓ આવ્યા છે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. ત્યારે હિમવર્ષાએ છેલ્લા ૫૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સાઉદીની સરકારી સમાચાર એજન્સીએ તબુકમાં હિમવર્ષાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કાર પર બરફનું જાડું પડ દેખાય છે. એટલું જ નહીં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ પણ આ બરફવર્ષાની ખૂબ મજા લેતા જાેવા મળ્યા છે. આ વિસ્તારની આસપાસ સ્થિત તમામ પર્વતોના શિખરો બરફથી ઢંકાયેલા છે. આ જ કારણ છે કે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાતે આવે છે. આ વિસ્તાર એટલો સૂકો છે કે અહીં માત્ર થોડા જ વૃક્ષો ઉગે છે. આવી સ્થિતિમાં ભારે હિમવર્ષાથી દરેકને આશ્ચર્ય થયું છે.