કર્ણાટકના ચામરાજનગરથી શાળામાં રાષ્ટ્રગીત ગાતી વખતે વિદ્યાર્થીનીને હાર્ટએટેક આવ્યો
કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીંની એક શાળામાં સવારની પાળી દરમિયાન રાષ્ટ્રગીત ગાતી વખતે એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યો હતો. શાળાના અધિકારી વર્ગ સાથે જાેડાયેલા લોકો તુરંત જ વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરો તેનો જીવ બચાવી શક્યા નહીં. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ પોલીસ શાળાએ પહોંચી હતી અને ઘટના અંગે પૂછપરછ કરી હતી. પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
મૃતક વિદ્યાર્થીનીનું નામ પેલીશા જણાવવામાં આવી રહ્યું છે. તેની ઉંમર ૧૬ વર્ષ જણાવવામાં આવી રહી છે. જે શાળામાં આ ઘટના બની તે ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટમાં આવેલી છે. આ વિદ્યાર્થિની આ શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી. સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, દરરોજની જેમ બુધવારે સવારે સ્કૂલ પાળી ચાલી રહી હતી, તમામ બાળકો રાષ્ટ્રગીત ગાતા હતા. આ દરમિયાન વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. શરૂઆતમાં, શાળાના શિક્ષકોએ વિચાર્યું કે, તેને ચક્કર જેવી કોઈ સમસ્યા હોઈ શકે છે, પરંતુ પછીથી પેલિશાની તબિયત બગડવા લાગી. આ પછી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તબીબોએ બાળકીનો જીવ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ થોડી જ વારમાં તેનું મોત થઈ ગયું હતું. ડોકટરોના જણાવ્યા મુજબ, પ્રથમ દૃષ્ટિએ, વિદ્યાર્થીનીને કદાચ હાર્ટ એટેક આવ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, વિદ્યાર્થીનીના માતા-પિતા નથી. તે અનાથ હતી અને ર્નિમલા શાળાની હોસ્ટેલમાં રહેતી હતી. ત્યારે આ ઘટના બાદ શાળામાં ચકચાર મચી જવા પામી છે. શાળાના શિક્ષકો અને બાળકો આઘાતમાં છે. શાળાના શિક્ષકોના જણાવ્યા અનુસાર, પેલિશા એક હોશિયાર વિદ્યાર્થીની હતી. તે ભણવામાં પણ સારી વિદ્યાર્થીની હતી.