ઘડપણમાં સેવા કરવાના બદલે ઘરનું કામ કરાવતી અને જમવાનું પણ ન આપતાં વહુના ત્રાસથી કંટાળી સાસુ ઘરેથી નીકળી ગયાં હતાં
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના એક ગામમાં રહેતાં 75 વર્ષીય વૃદ્ધાની સેવા કરવાને બદલે ઘરનું કામ કરાવી, સમયે જમવાનું પણ ન આપી વહુ માનસિક ત્રાસ આપતી હતી. અંતે, સાસુ કંટાળી કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયાં હતાં અને પાસે પૈસા ન હોવાથી પગપાળા પાટણ શહેર પહોંચી ગયાં હતાં. પાટણ 181 અભયમની ટીમને પાટણ શહેરમાં ફરતી મહિલા અંગે જાણ થતાં પૂછપરછ બાદ વહુના ત્રાસથી ભયભીત હોવાથી ઘરે જવાની મનાઈ કરતાં વૃદ્ધાને આશ્રયગૃહમાં રાખવામાં આવ્યાં હતાં.
પાટણ શહેરમાં 75 વર્ષીય વૃદ્ધા એકલા ફરતાં હોવાનો કોલ 181 અભ્યમને મળતાં મહિલા પોલીસના એ.એસ આઇ ધર્મિષ્ઠાબેન તેમજ કાઉન્સેલર આરતીબેન ઠાકોર અને તેમની ટીમ સાથે પહોચ્યાં હતાં. વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે કાંકરેજ તાલુકાના એક ગામમાં રહેતાં વૃદ્ધાનો એક દીકરો અને દીકરી છે. દીકરી સાસરે રહે છે. પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતાં હતાં. વહુ માથાભારે હોવાથી વૃદ્ધા પાસે સતત કામ કરાવતી હતી. જમવાનું પણ આપતી ન હતી. શારીરિક- માનસિક ત્રાસ સહન ન થતાં માજી ઘરેથી નીકળી ગયાં હતાં. ચાલતાં ચાલતાં પાટણ આવી પહોંચ્યાં હતાં. વૃદ્ધાને ઘરે પરત જવાનું કહેતાં તેમણે ના પાડી હતી, આથી તેમને પાટણ ખાતે આશ્રય સ્થાને મૂકવામાં આવ્યાં હતાં.
પૈસા ન હોવાથી ચાલતાં ચાલતાં 60 km દૂર પાટણમાં આવી પહોંચ્યાં વૃદ્ધાની હાલત ખૂબ જ અશક્ત હોવાથી ચાલી શકવાની સ્થિતિ ન હોવા છતાં ઘરેથી કંઈપણ લીધું ન હતું, પાસે એકપણ રૂપિયો ન હોવાથી મજબૂરીએ વૃદ્ધા કાંકરેજ તાલુકાના એક ગામથી પગપાળા બીજે જવા નીકળી પડ્યાં હતાં. અંતે, દસ દિવસથી ચાલતાં ચાલતાં બુધવારે પાટણ શહેરમાં પહોંચ્યાં હતાં.
વહુ માથાભારે હોવાથી પુત્ર પણ કંઈ બોલી ન શકતો
વૃદ્ધાએ જણાવ્યું હતું કે મારે બે સંતાન છે, જેમાં એક દીકરીના લગ્ન થઈ ગયા અને એક દીકરો મારી ઘડપણની લાકડી બનશે એવી આશા હતી, પરંતુ વહુ માથાભારે આવતાં તેની સામે જ મને ખૂબ કામ કરાવી ખાવાનું પણ ના આપતી, હેરાન કરતી, પરંતુ પત્ની સામે મારો પુત્ર લાચાર હોવાથી કંઈ બોલી શકતો ન હતો. અંતે, હું કંટાળીને મારા પુત્રનો ઘરસંસાર સુખી રહે અને રોજના માનસિક ત્રાસથી છુટકારો મેળવવા માટે ઘર છોડીને નીકળી ગઈ છું. ગમે ત્યાં રહી જીવી લઈશ.