ગાંધીનગર,તા.૨૬
ભણશે ગુજરાત….!!
ખાનગી શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકોની વાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામે આવી હતી. રાજ્યની ૩૦૬૫ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૭૦૯૮ માન્ય લાયકાત વિનાના નિમણૂંક પામેલા શિક્ષકો શિક્ષણ પૂરું પાડી રહ્યાં છે. જુદા જુદા જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ ખાનગી શાળાઓમાં સામે આવી છે. જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે અનેક સવાલો ઉઠાવે છે. ખાનગી શાળાઓ પ્રત્યે હંમેશા કાર્યવાહી કરવાની વાતો જ જાેવા મળી છે. જેનું આ અન્ય એક ઉદાહરણ છે.
શાળાઓ લાખો રૂપિયાની ફી ઉઘરાવી રહી છે કોરોનામાં ઓનલાઈન એજ્યુકેશન આપીને પણ ફી ઉઘરાવવામાં આવી રહી છે. આ પ્રકારની સ્થિતિ હોવા છતાં સરકાર કક્ષાએથી કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ફક્ત વાતો જ થઈ રહી છે. સરકારની ખાનગી શાળાઓ પ્રત્યેની ઢીલી નીતિ જાેવા મળી છે. ખાસ કરીને અમદાવાદમાં ૧૧૬૧ સ્કૂલમાંથી સૌથી વધુ ૨૩૬૧, કચ્છમાં ૬૮૬, સુરતમાં ૬૦૯ રાજકોટમાં ૫૦૮ની સંખ્યા છે. રાજ્યના ૩૩માંથી ૨૧ જિલ્લામાં માન્ય લાયકાત વિનાના નિમણૂંક પામેલા શિક્ષકોની સંખ્યા સામે આવી છે. તાપી, નવસારી, અરવલ્લી, નર્મદા, ડાંગ, આણંદ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં લાયકાત ન ધરાવતા હોય તેવા એક પણ શિક્ષક સામે આવ્યા નથી.