દેશમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે છેલ્લા ૨૪ કલાકમાં ૨ લાખથી વધુ નવા કેસો સામે આવ્યા છે તો ૧ હજાર ઉપરાંતના મૃત્યુ થયા છે. સરકાર દ્વારા રસીકરણ અભિયાનમાં ઝડપ વધારી દેવામાં આવી છે પરંતુ તકલીફ એ છે કે ડોક્ટરો તથા મેડીકલ સ્ટાફની અછત દેખાઈ આવે છે. ગુજરાત, દિલ્હી જેવા રાજ્યમાં સ્મશાન બહાર મૃતદેહોને લઈને ઉભેલી શબવાહિનીઓની લાઈન લાગી ગઈ છે….તો સિવિલ હોસ્પિટલોમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ લઈને આવતી ૧૦૮ એમ્બ્યુલન્સોની લાઈનો થવા લાગી છે… જેમાં દર્દીને દાખલ થવા પાછળ છ થી આઠ કલાકનો સમય વીતી જાય છે.
કોરોના કહેર સામે આરોગ્ય તંત્ર પણ ઉણુ ઉતર્યું છે…. દેશમાં રાજકીય ક્ષેત્રે કોરોનાને નગણ્ય ગણીને દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણી મહત્વ આપવામાં આવી રહ્યું છે તો ગુજરાતમાં મોરવાહડફની બેઠકને પણ મહત્વ અપાઇ રહ્યું છે…..?! જે કારણે આમ પ્રજા હતપ્રભ થઈ ગઈ છે. દરરોજ રાજનેતાઓ આમ પ્રજાને કોરોનાથી બચવા માસ્ક, ડિસ્ટન્સ, હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવા માટે આવાર નવાર સુચનાઓ આપી રહ્યા છે… બીજી તરફ નેતાઓ સહિત નાના-મોટા નેતાઓ કાર્યકરો કોરોનાના નિયમોના ધજીયા ઉડાડી સત્તા મેળવવા ચૂંટણી પ્રચાર માટે ગળાડૂબ બની ગયા છે. અને પ્રજા બિચારી બાપડી બની ગઈ છે….! કરે તો શું કરે….? પ્રજા જાય તો ક્યાં જાય….?! ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારની કામગીરીની દાવેદારીનો છેદ ઉડાડતા કહી દીધું કે મીની લોકડાઉન સહિત આમ પ્રજાને મેડિકલ સારવાર મળી રહે તેવા પગલાં ભરો…. ગુજરાત સરકારે પગલાં લીધા છતા હોસ્પિટલો બહાર દર્દીઓની અને સ્મશાન ગૃહ બહાર મૃત દેહોની અગ્નિદાહ માટે લાઈન લાગી ગઈ છે.
દેશમાં ગુજરાત સહિત ૧૨ જેટલા રાજ્યોમાં કોરોનાની બીજી લહેર ત્રાટકી છે જે આકરા પાણીએ છે. જે નવા સ્ટ્રેનને કારણે કોરોના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ બે વર્ષના બાળકથી લઈને યુવાનો પણ તેની ચપેટમાં આવવા લાગ્યા છે્….જે બેહદ ચિંતા ઉપજાવે તેવી વાત છે… કારણ કોરોનાનું ઘાતક આક્રમણ છે. તંદુરસ્ત દેખાતા લોકો પણ એક, બે કે ત્રણ દિવસમાં મોતના ખપ્પરમાં હોમાઈ જાય છે. અત્યારે ગુજરાત ગંભીર રીતે ઘાતક કોરોનાની વચ્ચે આવી પહોંચી ગયુ છે. રાજ્યના મહાનગરોમાં મોટાભાગના એપાર્ટમેન્ટો, સોસાયટીઓ બાકી નથી કે જ્યાં કોરોના સંક્રમિત ન હોય. જાે કે સરકારની પણ ધારણા નહી હોય કે કોરોના આટલી ઝડપે ત્રાટકશે.. છતાં સરકાર આ માટે આરોગ્ય સેવામાં જાેઈતી જરૂરી ઝડપમાં ઊણી ઉતરી છે કે જ્યારે કેદ્ર સરકારે એક મહિના પહેલાં નોટિસ આપેલી તે તરફ બેધ્યાન રહી હોઈ શકે…..!! કોરોના કેસો સતત વધી રહ્યા હતા છતાં સરકારે એ બાબતે ધ્યાન આપ્યું નહીં કે પછી આયોજન કરવામાં વ્યસ્ત હોય…..! પરંતુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં લાઈનો લાગે, સ્મશાન ગૃહોમાં મૃતકોને અગ્નિદાહ દેવા લાઈનો લાગે… રેમડીસીવીરની અછત સર્જાય અને તેમાં પણ રાજકીય રમત રમાય…..! તે પણ પ્રજા સાથે…. ત્યારે આ માટે દોષી કોણ…..? જ્યારે કે રાજનેતાઓ અને સરકારના વજીરો કોરોના ફેલાવવા માટે આમ પ્રજાને જવાબદાર ગણાવતા રહ્યા છે અને પોતાની પ્રતિષ્ઠા બચાવવા પ્રયાસ કર્યા કરે છે….!? પ્રજા વધુ જાગૃત છે…આવી બધી બાબતો સામે આવી રહી છે. અનેક ગામો, નાના- મોટા શહેરો, જિલ્લા મથકો કે ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે….. ત્યારે સરકારે માનવતાને મહત્વ આપીને હાઇકોર્ટના નિર્દેશાનુસાર મીની લોકડાઉન જાહેર કરવું આવશ્યક છે…. અને તેમાં અચકાશો તો પ્રજા કાયમ કાળા અક્ષરોમાં યાદ રાખશે…..!! વંદે માતરમ્