દેશમાં છેલ્લા ત્રણેક માસથી કાચબા ગતિએ કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હતો. જેની ધીરી ગતિ હોવા છતાં કોરોનાની સંખ્યા દિનપ્રતિદિન વધતી ગઈ હતી. જેમાં કોરોનાની બીજી લહેર સ્વરૂપ બદલીને ત્રાટકી અને દેશના ૧૧ રાજ્યોની હાલત ડામાડોળ કરી નાખી. આવી સ્થિતીને પહોંચી વળવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આજે પણ ગડથોલા ખાતી દેખાઇ રહી છે. પરિણામે ઓક્સિજનની અછત, મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી હાઉસ ફુલ છે, હોસ્પિટલો બહાર દર્દીઓની લાઈનો લાગેલી છે, રમડેસિવીરની અછતે લોકોને ઓક્સિજન સિલિન્ડર મેળવવાની જેમ દોડતા કરી દીધા છે. તે સાથે મોટાભાગના સ્મશાનગૃહો બહાર મૃતદેહોની અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે…આવા કારણોસર આમ પ્રજાને વર્તમાન શાસકો સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે…જ્યારે બીજી તરફ એક પછી એક સાચી સલાહો, ચેતવણીઓ કે તહેવારોને કેન્દ્રના શાસકોએ અવગણના કરી હોવાની વિગતો બહાર આવી રહી છે. ત્યારે લોકોએ જેઓના નામ પર સંપૂર્ણ ભરોસો મૂકીને ભાજપને થોકબધ્ધ મતો આપીને સંપૂર્ણ બહુમતી આપી અને ભાજપાની સરકાર બની તેના લોકો કોરોના સંકટને નિપટવામા તદ્દન નિષ્ફળ ગયા હોવાની વાતો લોકો કરી રહ્યા છે… કારણ અગાઉના સમયમાં શિતળા, પ્લેગ, હિપેટાઇટીસ-બી, ઉપરાંત અન્ય ચેપી વાયરસ રોગો જાેયેલા છે અને તે સમયની સરકારોએ આવા રોગોને નાથવા જે પગલાઓ લીધા તે પ્રશંસનિય હતા… જ્યારે હાલના ભાજપ સત્તાધીશો પ્રજાનો પ્રેમ, લાગણી, હમદર્દી, જાળવી રાખવામાં નિષ્ફળ નિવડ્યા છે….! અને આવા કપરા કાળમાં જ્યારે આમ પ્રજા કોરોનાથી બચવા અહીં તહી દોડતી રહી અને નેતાઓના કહેવા અનુસાર માસ્ક સહિત કોરોના નિયમોનું પાલન કરતી રહી…તો કેટલાકો ભૂલને કારણે દંડાતા રહ્યા….. જ્યારે કે કેન્દ્રીય નેતાઓને પાંચ રાજ્યોની ચૂંટણી જીતવાની લગની લાગી ગઈ હતી…. કેન્દ્રના લગભગ ૫૦% નેતાઓ કોરોના સંક્રમિત લોકોની મુશ્કેલીઓ કે તેમની સારવાર સુવિધા માટે ની તકલીફ દૂર કરવાનું ભૂલીને ચૂંટણીઓ જીતવામાં ગળાડૂબ થઈ ગયા હતા….! અને તે પણ કોરોના નિયમોનો ભંગ કરવા સાથે ચૂંટણી સભાઓ, રેલીઓ યોજી… અને ચૂંટણી પંચને આમાંનુ કઈ દેખાતું ન હતું…..! છેવટે મદ્રાસ હાઈકોર્ટની એક જ ચેતવણી-દિશા નિર્દેશે ચૂંટણીપંચની ઊઘ ઉડાડી દીધી…. અને ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાઓ મત ગણના સિવાયની પૂર્ણ થઇ ગઇ હતી ત્યારે જ સભા-સરઘસ પર પ્રતિબંધ ફરમાવી દીધો. જીતેલા ઉમેદવાર માત્ર એક અથવા બે વ્યક્તિને સાથે લઈ જઈને સર્ટી મેળવી શકે. બીજી તરફ પશ્ચિમ બંગાળની જાગૃત પ્રજાએ વ્યક્તિ પૂજાને મહત્વ નહી આપીને કોમવાદી વલણને ઠુકરાવી દઈને એકલવીર મમતાદીદીની ત્રુણમૂલ કોંગ્રેસને સત્તાનુ સુકાન ત્રીજીવાર સોંપી દીધું…. જેના પડઘા સમગ્ર દેશમા પડ્યા છે….લોકોમાં ખુશી ફરી વળી છે…. જે હવે ભાજપ માટે નુકસાનદાયી બની શકે…..!!
પાંચ રાજ્યો પૈકી કેટલાક રાજ્યોમાં જીતેલા ઉમેદવારના ટેકેદારોએ જીતનો જશ્ન મનાવવા સરઘસો કાઢ્યા તેમની સામે પગલાં લેવા ચૂંટણી પંચે ફરમાન છોડયું છે. તે સાથે જે વિસ્તારમાં આવા જીતના સરઘસો નીકળ્યા હતા તે વિસ્તારના અધિકારી સામે પગલાં લેવા આદેશ કર્યા છે. પરંતુ મદ્રાસ હાઈકોર્ટની ચેતવણી અને દિશા નિર્દેશ અનુસાર ચૂંટણી પંચ સામે માનવ હત્યાના જવાબદાર ગણી કેસ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાની વિગતો બહાર આવી રહી છે…. ત્યારે જાે કોર્ટ કેસ દાખલ થશે તો તેના છેડા જે તે રાજકીય નેતાઓ સુધી પહોંચશે કે શું…..? કારણ કે ચૂંટણી પંચે પોતાનો બચાવ કરવાનો છે…..!! બીજી તરફ દેશમાં જે રીતે કોરોના સંક્રમિતોને દાખલ થવા માટે જે તે રાજ્યમાં વિવિધ તકલીફો પેદા થઈ છે. દવાઓ, ઓક્સિજન વગેરેની અછત ઊભી થઈ છે… ત્યારે સરકાર કોરોના દર્દીઓ માટે સમરસ હોસ્પિટલ ઊભી કરે છે તેમજ અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવે છે ત્યા જશે ખાટવા માટે નગરસેવકથી લઈને ધારાસભ્યો પાછું વળીને જાેતા નથી જ્યારે ખરેખર તો આવા ચૂંટાયેલા પ્રજા પ્રતિનિધિઓ લોકો વચ્ચે જતા જ નથી.. કે પ્રજાથી દૂર રહી હોમક્વોરેન્ટાઈન થઇ ગયા છે….! અને આવા લોકો જ વડાપ્રધાન મોદીજીનું નામ ખતમ કરી રહ્યા છે ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ આ બાબતે જાગૃત થઈ જરૂરી પગલાં ભરશે કે કેમ….? નહીં તો પશ્ચિમ બંગાળના પરિણામો સામે જ છે….!!, વંદે માતરમ્