હૈદરાબાદ ,
તેલંગાણા સરકારમાં લેબર મંત્રી મલ્લા રેડ્ડીએ હૈદરાબાદ (Haydarabad)ની ઘટનામાં શક્યતઃ ઝડપથી ન્યાય આપવાની વાત કરી હતી. મલ્લા રેડ્ડીએ ત્યાં સુધી કહી દીધું હતું કે, હૈદરાબાદની બાળકીની હત્યા કરનારાને આકરી સજા મળવી જાેઈએ, અમે તેની ધરપકડ કરીશું અને બાદમાં એન્કાઉન્ટર કરી દઈશું.
મંત્રીએ વિશ્વાસ અપાવ્યો કે, તેઓ ટૂંક સમયમાં જ પીડિતાના પરિવારની મુલાકાત લેશે અને તેમને મદદ કરશે. તેઓ પરિવારની દરેક પ્રકારે મદદ કરવા ઈચ્છે છે. આ વાતને જ આગળ વધારતા તેમણે એન્કાઉન્ટરની વાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ આરોપીને છોડશે નહીં. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં ૯ સપ્ટેમ્બરના રોજ એક ૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. એક બંધ ઘરમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ આ કેસમાં બાળકીની પાડોશમાં રહેતા ૩૦ વર્ષીય શખ્સને શોધી રહી છે. પોલીસની ૧૫ ટીમો તે વ્યક્તિને શોધી રહી છે. આ ઘટનાને લઈ તેલંગાણાના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપ્યો છે અને પોલીસ પર જલ્દી એક્શન લેવાનું દબાણ વધ્યું છે.
તેલંગાણાના હૈદરાબાદમાં તાજેતરમાં જ ૬ વર્ષની એક બાળકી સાથે પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈ હૈદરાબાદના લોકો રોષે ભરાયા છે અને આરોપીને ભારેથી અતિ ભારે સજા આપવા માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે તેલંગાણા સરકારના મંત્રીએ જણાવ્યું કે, ‘અમે તેને જલ્દી જ શોધી લઈશું અને તેનું એન્કાઉન્ટર કરી દઈશું.’