ગાંધીનગર,
કોરોના મહામારીની બીજી લહેરને કારણે રાજ્યમાં લગભગ તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી હતી એટલે સુધી કે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ પણ રદ્દ કરી દેવામાં આવી હતી. જાેકે બાદમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોગ્ય સમયે લેવામાં આવશે. જાેકે, સરકારની આ જાહેરાત પર કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વિરોધ કર્યો હતો.
પરેશ ધાનાણીએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ રદ્દ કરવા માટે માંગ કરી હતી. જાેકે, હવે પરિસ્થિતિ બદલાઈ છે અને કોરોના મહામારીની બીજી લહેર સાવ નબળી પડી ગઈ છે. ત્યારે શિક્ષણ મંત્રીએ ધાનાણીના પત્રનો જવાબ આપ્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ની રીપીટરની પરીક્ષા રદ કરવા મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પત્ર સામે શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતુ કે રીપીટરની પરીક્ષા તો યોજાશે જ. પરીક્ષા રદ થાય તેવા વહેમમાં કોઇ ના રહે. ૧૫ જુલાઈથી પરીક્ષા યોજાશે તે માટે તૈયારી પણ થઈ ચૂકી છે.