સુરત
સચિનના એક શ્રમજીવી પરિવારની બાળકીને ગત રાત્રે ઝાડા ઉલ્ટી થવાથી તેની તબિયત વધુ બગડી હતી. પરંતુ રાત્રી કરફ્યુમાં પોલીસ રોકશે કે દંડાથી મારશે તેવા ડરથી મજબુર પિતા બાળકીને સમયસર હોસ્પિટલ નહીં લઇ જઇ શક્યો સવારે હોસ્પિટલમાં લઇ જતા બાળકીનું મોત નીપજ્યું હતું.
સચિન સાંઈકૃપા સોસાયટીમાં રહેતા જીતેનસિંગની પાંચ વર્ષીય પુત્રી રિયાને ગત રાત્રે ઝાડા ઉલ્ટી થતા તેની તબિયત વધુ બગડી ગઈ હતી પરંતુ રાત્રિ કરફ્યુના કારણે પિતા તેને સારવાર માટે સવારે સિવિલ લાવતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
જીતેનસિંગે જણાવ્યું, રાત્રે રિયાને ઝાડા ઉલ્ટી થતા હતા. આટલી રાત્રે બાળકીને બાહર લઈ જશે તો પોલીસ રોકશે, દંડાથી મારશે કે કોઈ ટપોરીઓ મારામારી કરી લૂંટી લેશે એટલે રાત્રે બાળકીને હોસ્પિટલમાં નહિ લઇ જઈ શક્યો હતો. વહેલી સવારે એક ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં ત્યાંથી સિવિલ લઇ જવાનું કહ્યું હતું. સિવિલ લાવતા રિયાએ દમ તોડી દીધો હતો. જીતેનસિંગ મૂળ બિહારના આરાનો વતની છે, તેને સંતાનમાં ૩ પુત્રીઓ છે.
સચિનની ખાનગી હોસ્પિટલના તબીબે જીતેનસિંગને માસુમ રિયાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જવા કહ્યું હતું. બાળકીની સ્થિતિ ગંભીર બનતા તેણે એમ્બ્યુલન્સ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જે નહીં મળતા જીતેનસિંગે ૨૦૦ રૂપિયા આપી રિક્ષામાં રિયાને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યો હતો પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું.