Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજ્યમાં સ્કુલો ચાલુ થતા ૧૦ દિવસમાં ૧૮ વિદ્યાર્થીઓ પોઝિટીવ

અમદાવાદ,

રાજ્યની સ્કૂલોમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૮ જેટલા બાળકોમાં કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ માટે હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમથી સ્કૂલ ચાલી રહી છે. સ્કૂલોમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં ૯, અમદાવાદમાં ૪, રાજકોટમાં ૩ તથા ૨ કેસ વડોદરામાં સામે આવી ચૂક્યા છે. વડોદરામાં નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધો. ૩નો વિદ્યાર્થી પોઝિટિવ મળી આવ્યા બાદ સ્કૂલના ઓફલાઈન ક્લાસીસને બંધ કરી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના ધો.૭નો વિદ્યાર્થી અને તેના પેરેન્ટ્‌સ કોવિડ પોઝિટિવ આવ્યા બાદ સ્કૂલે તમામ ઓફલાઈન ક્લાસ બંધ કરી દીધા છે. તેમજ શહેરની સંત કબિર સ્કૂલના ટીચર પણ પોઝિટિવ મળી આવ્યા હતા. છારોડીની નિરમા વિદ્યાવિહારમાં ત્રણ વિદ્યાર્થી અને થલતેજમાં આવેલી ઉદ્‌ગમ સ્કૂલની ધો.૨ની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારના ધો.૫માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, ઉપરાંત એક જ પરિવારના ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સંચાલકોના જણાવ્યા અનુસાર પિતાને ચેપ પછી બાળકો એક દિવસ સ્કૂલે આવ્યા હતા. વાલીએ સ્કૂલને કોરોનાના પોઝિટિવ રિપોર્ટ અંગે અગાઉ જાણ કરી ન હતી. સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે અને ૨૭ ડિસેમ્બર સુધી ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે. રાજકોટની નચિકેતા સ્કૂલના એક વિદ્યાર્થીનો રિપોર્ટ બે દિવસ પહેલા પોઝિટિવ આવતા સ્કૂલ દ્વારા એક અઠવાડિયાની રજા જાહેર કરાઇ છે. ર્નિમલા કોન્વેન્ટ સ્કૂલની એક વિદ્યાર્થિની ઘરેથી ઓનલાઇન શિક્ષણ મેળવતી હતી તેને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થિની સ્કૂલે આવી નહોતી એટલે તેનો કોઇ ઇસ્યુ નથી કે તે સ્કૂલમાં કોઇ સાથે સંપર્કમાં હોય. સુરતમાં શાળાએ જતા બાળકો કોરોના સંક્રમિત થયા છે. સુરતની સંસ્કાર ભારતી શાળાના કુલ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. રિવેરડાલે એકેડમીના ૪ વિદ્યાર્થી, ભુલકા વિહાર સ્કૂલના ૨ વિદ્યાર્થી, ડીપીએસ સ્કૂલના ૨ વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. અમદાવાદની સ્કૂલોમાં પણ કોરોનાનું સંક્રમણ સામે આવી રહ્યું છે, જેમાં થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલની ધો.૨ની વિદ્યાર્થિની કોરોના પોઝિટીવ આવી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *