Safeer News

Breaking News from Ahmedabad

આરોગ્ય સફીર મારૂ મંતવ્ય

રાજ્યમાં કોલેસ્ટોરેલ, બી.પી, ડાયાબિટીસ સહિતના રોગો તથા સ્થૂળ કાયાવાળા લોકો વધુ કેમ…..?

દેશમાં એક સમયે લોકોની ખાણીપીણી સહિતની પરંપરાઓનું ચુસ્તપણે પાલન થતુ હતુ. લોકો મહેનતભર્યા કામ જાતે કરતા હતા. લગભગ લોકોની સમજ હતી કે શરીરને કસરત મળવી જાેઈએ. રૂતુકાળ મુજબના શાક-ભાજી, ફળો ખાવામાં ઉપયોગ કરવાનો તેમજ શિયાળામાં સુકામેવા, વસાણાઓનો વગેરેનો ભરપૂર ઉપયોગ કરવાનો, ખાદ્યતેલોમાં સીંગતેલ અને તલના તેલનો ઉપયોગ કરાય તો ચોખ્ખું ઘી ખવાય, ઉપરાંત પીવાનુ પાણી તો માત્ર માટલાનુ જ પીવાય આવી અનેક સમજદારી આમ પ્રજામાં હતી. પરંતુ તેમા પણ જે તે પ્રદેશ કે રાજ્યમાં થતા કૃષિ ઉત્પાદનોનુ મોટું મહત્વ ખાદ્ય ખોરાકોમા અપાતું હતું જેમાં નારિયેલ તેલ, સરસીયુ, એરંડીયુ વગેરે…એ સમયમા સમુદ્રી મીઠાનો ઉપયોગ ઓછો અને પાકિસ્તાનથી આવતા લાલ મીઠાનો ઉપયોગ વધુ થતો હતો. દેશના દરેક તહેવારોમાં પરંપરા અનુસાર મહત્વ રહેતું હતું…. જેમાં મીઠાઇ, ફરસાણ, મેવા વગેરેનો ઉપયોગ થતો પરંતુ તેને પચાવવા વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી જેમાં ગરબા, રમતો, દૂર ચાલીને હરવા- ફરવા જવાનું થતું હતું જેથી લોકોની પાચનશક્તિ મજબૂત રહેતી હતી.

ધીરે ધીરે સમયમાં બદલાવ આવતો ગયો… અંગ્રેજાેના શાસનમાં ચા, કોફીએ સ્થાન લીધું ત્યારબાદ તે એક પછી એક નવી ખાણીપીણી માર્કેટોમાં આવતી ગઈ કે જે તેની સાથે નાના મોટા રોગ લાવી અને તેનો અણસાર પણ લોકોને આવવા ન દીધો….! પછીથી તો દાતણ ગયા તો ટુથપેસ્ટ આવી, માલીશના સ્થાને સાબુ આવ્યા, વિવિધ ખોરાકો, નાસ્તાઓ વગેરેનું ચલણ વધતું ગયું પરિણામે લોકોને જેમાંથી વિટામિન મળતા તે ખાદ્ય વસ્તુઓથી દૂર થતા ગયા. તે સાથે વેપાર, ધંધા, નાણાનુ મહત્વ વધતા લોકો દરેક કાર્યમાં ઝડપ ઈચ્છતા થવા લાગ્યા…પરિણામે ઇન્સ્ટન્ટ ખોરાક તરફ મોટા ભાગના લોકો ઉપયોગ કરતા થઈ ગયા. જેને કારણે માનવ શરીરના મજબૂત કોષો નબળા બનતા ગયા અને જે તે રોગનો સામનો કરવા શરીરને પ્રોટીન કે શક્તિદાયક દવા લેવાની નોબત આવી ગઇ. દેશભરમાં સૌથી વધુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટોરલ, બ્રેઈન સ્ટ્રોક, હાડકાંનો ઘસારો, સ્થૂળકાયાના રોગ ગુજરાતીઓને વધુ પ્રમાણમાં થાય છે તેમ તબીબોનું કહેવું છે અને આવા રોગો થવાનું કારણ ખાદ્યખોરાક, રહેણી કરણી સહિતના કારણો બતાવે છે. ત્યારે હજુ પણ સમય છે શરીરને મજબૂત બનાવવાનો…. પરંતુ વેપાર-ધંધા માટે દોડતા રહેતા ગુજરાતીઓ આ માટે તૈયાર થશે કે સમય ફાળવી શકશે કે કેમ……?

કેટલાક જાણીતા તબિબોના કહેવા અનુસાર વધુ પડતા વજન અને કસરત વગર નબળા પડી ગયેલા સ્નાયુઓના કારણે ઘૂંટણના ઘસારા, કમરના મણકા ગાદી ઘસાઇ જવા જેવી મુશીબતો સ્વયં ઊભી કરેલી છે. વધુ પડતા ચરબીયુક્ત ખોરાક, ખાંડનું વ્યસન, કબજિયાત થાય તેવા ખોરાક, બહારના તળેલા ખોરાક, નાસ્તા, બ્રેડ- બિસ્કીટ, ઠંડા પીણાઓ, વિવિધ આઈસ્ક્રીમો, કુલ્ફી, બરફ ગોળા- શરબતો, આ બધાનો સતત ઉપયોગ….. તેમાં પણ ચાલવાનું કે સાયકલ ચલાવવાનું નહીં, ઘરબહાર જવા ટુવ્હિલર કે ફોરવ્હિલર જ જાેઈએ, ઉપરાંત ઘરના કામ કે પોતાના કામ જાતે નહિ કરવાના…. બીજા પાસે કરાવવાના. હાથ પગ હલાવવાના કામ પણ બીજા પાસે કરાવવાના. આપણે તો માત્ર સોફાથી ડાઈનીંગ ટેબલ અને ડાઇનીંગ ટેબલથી ડબલ બેડ સુધી…. એસી કે પંખા વગર તો ચાલે જ નહીં. પરસેવો પડે તો વજન ઘટી જાય. ટૂંકમાં તકલીફ એ બની રહી છે કે શરીરના ભારેખમ વજનમાં મંદીનો કડાકો બોલે તો મરી જઈએ…. પરંતુ એશો-આરામ અને લક્ઝરીમાં મંદી ના ચાલે… ગુજરાતમાં મોટાભાગે સરેરાશ પાણી કોઈ આપે, ચા કોઈ આપે, કસ્ટમર આવતા રહે તેની સાથે ચા પર ચાના ઘુટડા…..

કામ ધંધા, વેપારમાં અગ્રેસર રહેવા તંદુરસ્તીને બાજુમાં મૂકીને દિવસભર ફોન, મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપમાં ડૂબેલો રહે છે અને સ્થૂળકાય બને છે. ટૂંકમાં ગુજરાતીઓ દેશના અન્ય રાજ્યો કે દેશોના લોકો કરતા બધી જાતના રોગોનો ભોગ બને છે…..! ત્યારે જાે તંદુરસ્તી ઈચ્છતા હોય તો ખાણીપીણી નિયંત્રિત કરો…. કસરતને મહત્વ આપો…. નહીં તો….ડૉક્ટરો તૈયાર જ છે……!

(જી.એન.એસ., હર્ષદ કામદાર)

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *