સાજીદ સૈયદ, નર્મદા
રાજપીપળા સિવિલ હોસ્પિટલ પહોંચેલા સાંસદને સુપ્રિટેન્ડન્ટે કહ્યું “જરૂર હોય તો મારી ઓફિસમાં આવો”, પછી થઇ જોવા જેવી
હોસ્પિટલ પહોંચ્યા બાદ સાંસદે સુપ્રિટેન્ડેન્ટને બોલાવવા કહેતા તેઓએ આપેલા જવાબથી અકળાયેલા સાંસદે તેમને ત્યાંથી જતા રહેવા કહી ગુસ્સે થયા
આરોગ્ય વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ જાડી ચામડીના હોવાનું જણાવતા અનેક સવાલ ઉઠ્યા
નર્મદા જિલ્લાની રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કોઈકની ખબર લેવા ગયેલા સાંસદ મનસુખભાઈ વસાવા સિવિલમાં દર્દીને તકલીફ હોવા છતાં કેટલીક સુવિધાના અભાવે દર્દીને રજા આપવામાં આવતી હોવાથી પોતાની બીજેપી સરકારના મંત્રી પર આક્ષેપ કરી બળાપો ઠાલવ્યો હતો.
હોસ્પિટલ પહોંચ્યા બાદ સાંસદે સુપ્રિટેન્ડેન્ટને બોલાવવા કહેતા તેઓએ આપેલા જવાબથી અકળાયેલા સાંસદે તેમને ત્યાંથી જતા રહેવા કહી ગુસ્સે થયા બાદ જણાવ્યું કે, તેઓ ડેડીયાપાડાનાં એક બિમાર દર્દીની ખબર લેવા આવ્યા ત્યારે જાણવા મળ્યું કે, આ દર્દીને હજુ તકલીફ હોવા છતાં અમુક સુવિધા અહિયાં ઉપલબ્ધ નથી માટે વધુ સારવાર માટે આ દર્દીને રજા આપવામાં આવતી હોવાનું ખબર પડતા સાંસદે જણાવ્યું કે, મે ઘટતી સુવિધાઓ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સીએમ એ લાગતાં વળગતા મંત્રીને કહ્યું હોવા છતાં મંત્રી કઈ જ કરતા નથી અને આરોગ્ય વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ જાડી ચામડીના છે. ડેડીયાપાડા ખાતે પણ નવી હોસ્પિટલ બન્યાને છ મહિના થઈ ગયા પણ ત્યાં એક જ ડોકટર છે માટે જરૂરી સ્ટાફના અભાવે તેનું ઉદ્ઘાટન થયું નથી. તો જિલ્લામાં આરોગ્ય બાબતે ઘટતી સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ તેમ પોતાની બીજેપી સરકારના મંત્રી અને અધિકારીઓ પર સાંસદે આક્ષેપ કરતા અનેક સવાલ ઉઠ્યા છે.
જોકે રાજપીપળા સિવિલ કે, ડેડીયાપાડામાં નવી બનેલી હોસ્પિટલમાં ઘણી સુવિધાઓનો અભાવ છે. એ બાબત તદ્દન સાચી છે પરંતુ મંત્રી લેવલથી જ જો કોઈ કામગીરી ના થતી હોય તો સ્વાભાવિક છે કે, જિલ્લાના રાજકીય અગ્રણીઓ અકળાઈ ઉઠે.