૨૦ બેડ મહિલાઓ માટે, ૨૦ બેડ પુરુષો માટે તૈયાર કરાયા છે, જ્યારે ૧૦ બેડ સ્પે. કાર્ડિયો માટે તૈયાર કરાયા
રાજકોટ,
રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, જેને લઇ રાજકોટ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ દ્વારા એક મોટો ર્નિણય લેવાયો છે. તેમણે જણાવ્યું છે કે, રાત્રીના પણ ડોક્ટર્સ અને ટીમ વોર્ડમાં હાજર રહેશે. દવા, ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં તમામ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. રાજકોટ સિવિલમાં હાર્ટ એટેક માટે ૫૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ૨૦ બેડ મહિલાઓ માટે, ૨૦ બેડ પુરુષો માટે તૈયાર કરાયા છે, જ્યારે ૧૦ બેડ સ્પે. કાર્ડિયો માટે તૈયાર કરાયા છે.
છેલ્લા કેટલાક દિવસથી યુવાવસ્થામાં જિમનાં ટ્રેડમિલ પર દોડતાં કે, ક્રિકેટ રમતા કે, પછી ગરબા કે, ડાન્સ દરમિયાન હાર્ટ અટેક આવતા મોત થયાના કિસ્સા વધ્યા છે. આ સ્થિતિને જાેતા રાજકોટ સિવિલ હોસ્પિટલે એક મહત્વનો ર્નિણય લીધો છે. રાત્રિ દરમિયાન હાર્ટ અટેકની સારવાર મળી રહે તે માટે ખાસ રાત્રિનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં આખી રાત વોર્ડમાં ડોક્ટરની ટીમ રહેશે.