હોસ્ટેલના હેવાન ગૃહપતિની અટકાયત, પોક્સોનો ગુનો નોંધાયો
રાજકોટ,તા.૩૦
રાજકોટમાં ધોરણ ૮ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર હોસ્ટેલના હેવાન ગૃહપતિની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં હોસ્ટેલના ગૃહપતિ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટમાં આવેલી લેઉવા પટેલ બોર્ડિંગના ગૃહપતિ હસમુખ વસોયા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને પોક્સો હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ગૃહપતિના અસલી ચહેરાનો પર્દાફાશ થયો છે. નરાધમ ગૃહપતિ વિદ્યાર્થીને મોબાઇલમાં બિભસ્ત વીડિયો બતાવતો હોવાનો ખુલાસો થયો છે. ભોગ બનનાર વિદ્યાર્થીને ગૃહપતિ દ્વારા માર મરાયો હતો. વિદ્યાર્થીને બેફામ માર મારવામાં આવતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે તેના પરિવારજનો તેમજ પોલીસને પ્રાથમિક એવી કબુલાત આપી હતી કે હોસ્ટેલમાં રહેતા તેના સાથી મિત્રો દ્વારા તેને માર મારવામાં આવ્યો છે. પરંતુ થોડીવાર બાદ તેણે તેના પરિવારજનોને જણાવ્યું હતું કે, તેની જ હોસ્ટેલનો ગૃહપતિ હસમુખ વસોયા છેલ્લા ઘણા દિવસોથી તેની સાથે અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો અને તેને પટ્ટા વડે બેફામ મારતો હતો.