અમદાવાદ,તા.૩૦
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને વધુ એક ફટકાર લગાવવામાં આવી છે. માસ્ક ન પહેરનારને પાસા કરતા ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો છે. હાઇકોર્ટએ કહ્યું કે, ‘રાજકીય નેતાઓને પણ માસ્ક ન પહેરવા બદલ પાસા કરો. રાજકીય નેતાઓ ખુલ્લે મોઢે રાજકીય રેલીઓ કરે છે ત્યારે કેમ તેઓને પાસા નથી થતાં. વિચાર કરો કે આપણે કેવાં વાતાવરણ વચ્ચે હાલમાં જીવીએ છીએ. નિયમ બધાં માટે સરખાં જ હોવાં જાેઈએ.’
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર સમયે મેડિકલ સ્ટોરના એક વેપારી સામે પોલીસે કાર્યવાહી કરી હતી. અસારવા મેડિકલ સ્ટોરના એક વેપારી સામે પોલીસે પાસા કરતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેથી આ મેડિકલ વેપારીએ પાસાનો હુકમ રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સાથે જ હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, ‘આ બધું કયાં જઇને અટકશે? તમે પણ વિચાર કરો આપણે કેવાં વાતાવરણ વચ્ચે જીવી રહ્યાં છીએ? કોઇ યોગ્ય જવાબ છે તમારી પાસે? નિયમો બનાવો છો તો તેનું પાલન પણ બધાં માટે હોય ને? શું કામ કોઇ સીધા અને શાંતિથી કામ કરતા લોકોને પજવો છો? અને એમાંય પાસા? માસ્ક નહીં પહેરવા બદલ પાસા કેવી રીતે કરાય?’