રખડતા ઢોરના અડફેટે ચડ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
કરણપુરા શાક માર્કેમાં રખડતા ઢોરે અચાનક જ તેમને અડફેટે લેતા તેમને ઈજા પહોંચી છે
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લેતા સારવાર માટે તેમને પ્રાઈવેટ હોસ્પિટલ ખસેડાયા છે. રખડતા ઢોરનો ત્રાસ વધતા હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ હડફેટે આવ્યા છે. કડી તિરંગા રેલી દરમિયાન નિતીન પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રી આજથી શરુ થયેલા હર ઘર તિરંગા અભિયાનની આ રેલીમાં સામેલ થયા હતા. જ્યાં કરણપુરા શાક માર્કેમાં રખડતા ઢોરે અચાનક જ તેમને અડફેટે લેતા તેમને ઈજા પહોંચી છે અને તત્કાલીક તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અત્યાર સુધી રખડતા ઢોરના ત્રાસથી સામાન્ય માણસ તેના ભોગ બનતા હતા પરંતુ પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રખડતા ઢોરે અડફેટે લેતા આ વાતને લઈન ચકચાર મચી જવા પામ્યો છે. નીતિન પટેલને ઢોરે અડફેટે લેતા તેમને ઢીંચણ સહીતના ભાગ પર ઈજા પહોંચી છે. જેથી હાલ તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
અગાઉ રખડતા ઢોર મામલે એક વિધેયક પણ પસાર કરવામાં આવ્યું હતું જેમાં નવા નિયમો બનાવવામાં આવ્યા હતા. રખડતા ઢોર મામલે વિરોધ થતા આ મામલે સરકાર દ્વારા અત્યારે આ વિધેયક હાલ સમય પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. પરંતુ રખડતા ઢોરનો ત્રાસ શહેરી વિસ્તારોમાં સતત વધી રહ્યો છે. જેમાં મહાનગરો, નગરપાલિકાઓ તેમજ નાના મોટા તમામ શહેરોમાં લોકો ઢોરના અડફેટે આવી રહ્યા છે. અમદાવાદ સહીતના અન્ય શહેરોમાં પણ લોકોનો જીવ રખડતા ઢોરના કારણે ગુમાવવાનો વારો આવ્યો છે.