ન્યુ દિલ્હી, તા.૨
દિલ્હીમાં એક યુવક દ્વારા સોશિયલ મીડિયા પર મુસ્લિમ છોકરીઓ વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટ લખવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે યુપી પોલીસ સમક્ષ યુવક વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગ કરી છે.
જાણવા મળ્યા મુજબ દિલ્હીના શાહદરા ખાતે રહેતા કુનાલ શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી. તેમાં તેણે મુસ્લિમ છોકરીઓ વિશે આપત્તિજનક વાતો લખી હતી. એટલું જ નહીં, તેણે કેટલીક છોકરીઓના નંબર પણ શેર કર્યા હતા. અનેક સોશિયલ મીડિયા યુઝર્સે કુનાલની પોસ્ટને લઈ ફરિયાદ પણ નોંધાવી છે.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ અંગે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘આ ગુનાહિત અને ખૂબ જ ઘટિયા હરકત છે. આ કારણે કુનાલ શર્મા નામનો આ શખ્સ સળિયા પાછળ હોવો જાેઈએ.’ જાણવા મળ્યા મુજબ તે વ્યક્તિ ગાઝિયાબાદમાં રહે છે. તેમણે યુપી પોલીસને આરોપી વિરૂદ્ધ તરત એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરવા માગણી કરી છે. માલીવાલે જણાવ્યું કે, “મહિલાઓ સાથે આ પ્રકારની અભદ્રતા સહન નહીં કરવામાં આવે.”
આ કેસમાં ગાઝિયાબાદ પોલીસે જણાવ્યું કે, યુવક દિલ્હીનો રહેવાસી છે. આ શખ્સ ગાઝિયાબાદ સાથે સંબંધ ધરાવતો હોવાનું જણાવવામાં આવ્યું છે. આપત્તિજનક પોસ્ટને તરત ધ્યાનમાં લેવામાં આવી હતી અને બાદમાં વીડિયોવાળો શખ્સ દિલ્હીનો હોવાની જાણ થઈ હતી. આ કારણે પોલીસે દિલ્હી પોલીસને તેની જાણ કરી છે.