દુબઈ,
ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા અને સારા સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એક વખત ક્રિકેટ મેદાન પર ટકરાશે. ક્રિકેટની આ બન્ને દિગ્ગજ ટીમો વચ્ચે ૨૪ ઓક્ટોબરે દુબઈમાં એક લીગ મેચ યોજાશે. ભારત-પાકિસ્તાનના સંબંધોને જાેતા લાંબા સમયથી બંને દેશોની ક્રિકેટ ટીમો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી.
યુએઈમાં આ વર્ષે ૧૭ ઓક્ટોબરથી ટી ૨૦ વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમામની નજર ભારત-પાકિસ્તાન મેચ પર રહેશે. બંને દેશોના ક્રિકેટ ચાહકો લાંબા સમય બાદ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ મેચ વર્લ્ડ કપમાં એવા સમયે પણ થવા જઈ રહી છે જ્યારે ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે સરહદ પર યુદ્ધવિરામના કરારનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. એક દિવસ પહેલા, સરકારે સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું, યુદ્ધવિરામ પાળવાની તાજેતરની સમજણથી, સરહદ પર બંને સેનાઓ વચ્ચે ગોળીબારની ઘટનાઓ ઘણી હદ સુધી ઓછી થઈ છે. આવી સ્થિતિમાં, તે જાેવું રસપ્રદ રહેશે કે વર્લ્ડ કપમાં જ, પરંતુ શું ક્રિકેટ બંને દેશોના લોકોને ફરી એક સાથે લાવવામાં ભૂમિકા ભજવી શકે છે?
આઇસીસી અનુસાર, ટી૨૦ વર્લ્ડ કપની તમામ મેચોનુ આયોજન યુએઇ અને ઓમાનના ૪ સ્ટેડિયમમાં કરવામાં આવશે. આમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનુ શેખ જાયેદ સ્ટેડિયમ, શારજાહ સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ સામેલ છે. તાજેતરમાં જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાની નજર ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા પર છે. છેલ્લા થોડા વર્ષોથી ભારત આઈસીસીની મોટી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. આ સ્થિતિમાં ભારત ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા તમામ તાકાત લગાવી દેશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં મેદાન પર ઉતરશે.
પ્રથમ રાઉન્ડમાં ૧૨ મેચો રમાશે. જેમાં આઠ ટીમો ભાગ લેશે. જેમાં બંને ગ્રુપમાં ટોચના બે સ્થાન પર રહેનારી ચાર ટીમો સુપર-૧૨માં ક્વોલિફાય થશે. ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ, નામિબિયા, ઓમાન, પાપુઆ ન્યુ ગિની જેવા દેશો ભાગ લેશે. તેઓ રેન્કિંગમાં ટોચના આઠ સ્થાન પર રહેલી ટીમોની સાથે સુપર-૧૨માં જાેડાશે.