મ્યાનમારમાં બળવો થતા ત્યાંથી નાગરિકો દેશ છોડી રહ્યા છે અને મિઝોરમમાં શરણ લઇ રહ્યા છે
મિઝોરમના ગૃહમંત્રીએ કહ્યું કે, મ્યાનમારના તમામ શરણાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને 30,177 લોકોને શરણાર્થી પ્રમાણપત્રો અને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે. મિઝોરમના ગૃહ પ્રધાન લાલચમલિયાનાએ ગઈકાલે વિધાનસભાને જણાવ્યું હતું કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મ્યાનમારના લશ્કરી બળવા પછી કુલ 30,401 લોકોએ સરહદ પાર કરીને મિઝોરમમાં આશ્રય લીધો છે. મંત્રીએ એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે જીલ્લા ડેપ્યુટી કમિશનરો દ્વારા 20 ઓગસ્ટના રોજ ગૃહ વિભાગને સુપરત કરાયેલ અહેવાલ મુજબ, મ્યાનમારના આ 30,401 લોકોમાંથી, 29,253 લોકો હાલમાં રાજ્યમાં છે.
ઓળખ કાર્ડ આપવાની પ્રક્રિયા ચાલુ
તેમણે કહ્યું કે, સરકારે રાજ્યમાં રહેતા તમામ મ્યાનમાર શરણાર્થીઓની ઓળખ કરી છે અને 30,177 લોકોને શરણાર્થી પ્રમાણપત્રો અને ઓળખ કાર્ડ જારી કર્યા છે. મંત્રીએ કહ્યું કે ઓળખની પ્રક્રિયા વધુ કે ઓછી પૂર્ણ છે, પરંતુ તે એક સતત પ્રક્રિયા છે અને તબક્કાવાર રીતે કરવામાં આવે છે કારણ કે કેટલાક નવા આવનારાઓ પણ આવે છે અને કેટલાક લોકો નિયમિત ધોરણે તેમના ગામોમાં પાછા જાય છે. લાલચમલિયાનાએ કહ્યું કે રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન વિભાગે અત્યાર સુધીમાં રાહત તરીકે શરણાર્થીઓને 3 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે.