22 માર્ચે રૂ.4.79, 5 એપ્રિલે રૂ.6.45 અને હવે 14 એપ્રિલથી રૂ.2.58નો વધારો ઝીંકાયો, 1 વર્ષમાં 27.11નો વધારો
મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. ખાદ્ય પદાર્થ હોય કે પછી પેટ્રોલીયમ પેદાશો, દરેક ક્ષેત્રમાં થઈ રહેલ ભાવ વધારાની સીધી અસર અન્ય ચીજવસ્તુઓ પર જોવા મળી રહી છે. તેમાં પણ જાણે કે ગુજરાત ગેસ દ્વારા અન્ય ચીજવસ્તુઓ સાથે ભાવ વધારાની હરીફાઈ શરૂ કરી હોય તેમ છેલ્લા 23 દિવસમાં 3 વાર ગેસની કિંમતમાં વધારો કર્યો છે. જેના કારણે ફક્ત 23 દિવસમાં સી.એન.જીના ભાવમાં રૂ.13નો વધારો નોંધાયો છે.
સતત ભાવોમાં વધારો થઈ રહ્યો છે આ દિવસોમાં દુધ, ઘી, કઠોળ, તેલ, પેટ્રોલ, ડીઝલ તમામ ચીજવસ્તુના ભાવમાં વધારો થયો છે. ત્યારે મધ્યમવર્ગીય લોકો કે જેમના માટે સી.એન.જી એ સૌથી સસ્તું બળતણ હતું તેમાં પણ કમરતોડ ભાવ વધારો થતા મધ્યમ વર્ગ પર બેવડો માર પડ્યો છે. ગુજરાત ગેસ દ્વારા છેલ્લા બુલેટ ગતિએ થઈ રહેલ ભાવ વધારાની વાત કરીયે તો હજુ તો 5 એપ્રિલના રોજ રૂ.6.45નો વધારો કર્યા બાદ ફક્ત 9 દિવસમાં બીજો રૂ.2.58 નો ભાવ વધારો ઝીંકી દેવાયો છે. છેલ્લા 23 દિવસમાં 3 વખત ભાવો વધ્યા આ ખાનગી કંપનીઓ પર સરકારની કોઈ લગામ ન હોય તેમ ફક્ત 23 દિવસમાં 3 વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે 23 દિવસમાં સીએનજીના ભાવમાં રૂ.13.82નો વધારો નોંધાયો છે. એટલું જ નહીં આ ખાનગી કંપનીએ છેલ્લા એક વર્ષમાં 7 વાર સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે એક વર્ષમાં ગેસના ભાવમાં કુલ રૂ. 27.11 નો વધારો નોંધાયો છે. પેટ્રોલ ડીઝલના ભાવથી બચવા માટે મધ્યમવર્ગીય વાહન ચાલકો વાહનોમાં સી.એન.જી કીટ ફીટ કરાવતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષમાં જે રીતે ભાવવધારો ઝીંકાયો છે. તેના કારણે એક વર્ષ અગાઉ રૂ.52.45 માં મળતો સીએનજી આજે રૂ.27.11 ના વધારા સાથે રૂ.79.56 થઈ જતા હવે વાહન ચાલકો માટે આગળ કુવો અને પાછળ ખાઈ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ગાડી ચાલક પીયુસભાઈ સોલંકી જણાવે છે કે, “અમે ભાવ વધારીયે તો ગ્રાહકો સાથે ઝઘડા થાય એક તરફ સીએનજી કંપની સતત ગેસના ભાવ વધારી રહી છે. પરંતુ જો અમે ભાડામાં વધારો કરીએ તો ગ્રાહકો સાથે ઝઘડા થાય. ગ્રાહકોને તો મિનિમમ ભાડું રૂ.10 જ આપવુ છે. ત્યારે બેફામ થઈ રહેલા ભાવ વધારાને કારણે હવે વ્યવસાય કરવો તો કેવી રીતે ખબર પડતી નથી.” – મરીડા, રીક્ષાચાલક “એરપોર્ટ જનારા લોકોને પણ વધારે ભાડું નથી પોસાતું અગાઉ નડિયાદથી એરપોર્ટના રૂ.1500 હતા, પરંતુ સીએનજીના સતત ભાવ વધતા હવે ભાવ રૂ.1800 કર્યો છે. પણ એરપોર્ટ જનારા અને વિમાનમાં ફરનારા લોકોને આ વધારો પોષાતો નથી. પહેલા ઓછા લેતા હતા, હવે આટલા બધા કેમ તેમ કહી રકઝક કરે છે.” – ગીરીશ દેસાઈ, ગાડી ચાલક કહે છે કે,”સીએનજીની કિંમતોમાં થઈ રહેલા વધારાને કારણે અમારી સ્થિતિ કફોડી બની છે.”