ન્યુ દિલ્હી,
મુસ્લિમ આગેવાન અને એઆઇએમઆઇએમના પ્રમુખ તેમજ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તાલિબાનના મુદ્દે કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી છે. ઓવૈસીએ એક પછી એક ત્રણ ટિ્વટ કરીને સરકારને અપીલ કરી હતી કે, તાલિબાન સાથે સરકારે વાતચીત શરૂ કરવી જાેઈએ. મેં તો આઠ વર્ષ પહેલા જ આ મુદ્દે સરકારને ચેતવી હતી.
ઓવૈસીએ આ વાતના સમર્થનમાં લોકસભામાં પોતે કરેલા ભાષણના વિડિયો પણ પોસ્ટ કર્યા છે અને કહ્યુ છે કે, ૨૦૧૩માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ મેં કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાંથી એક દિવસ અમેરિકન સૈનિકોની વાપસી શરૂ થશે અને ભારતના હિતોની રક્ષા માટે તાલિબાન સાથે વાતચીત શરૂ કરવી જાેઈએ.
ઓવૈસીએ આગળ કહ્યુ હતુ કે, આપણા દેશે અફઘાનિસ્તાનમાં ત્રણ અબજ ડોલરનુ રોકાણ કર્યુ છે. ત્યારે કોઈ સરકારે તેના પર ધ્યાન નહોતુ આપ્યુ અને હવે સરકાર શું કરશે. ૨૦૧૯માં પણ મેં ફરી આ વાત કરી હતી. કારણકે તે વખતે તાલિબાન સાથે અમેરિકા અને પાકિસ્તાન મોસ્કોમાં વાતચીત કરી રહ્યા હતા પણ તે વખતે વડાપ્રધાન ઓફિસ એ ગણતરી કરી રહી હતી કે, પીએમ મોદીએ ટ્રમ્પને કેટલી વખત ગળે લગાવ્યા છે, આજે આપણને ખબર નથી કે, આ સંકટમાં આપણી નીતિ શું છે.
ઉલ્લેખનીય છે કે, તાલિબાન સરકારને માન્યતા આપવી કે નહીં તે અંગે ભારતે હજી પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ નથી. સરકાર હાલમાં તો ભારતીયોને અફઘાનિસ્તાનમાંથી સહી સલામત ભારત લાવવા માટે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
(જી.એન.એસ.)