ચા, પાણી અને નાસ્તા સહિત મેડિકલની સગવડ ઉભી કરી
અંબાજી,તા.૨૪
અંબાજી પગપાળા જતાં યાત્રિકો માટે રસ્તાઓમાં હિન્દૂ સમાજના લોકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક કેમ્પો બનાવવામાં આવ્યા છે. તેમાં ભક્તોને ચા, પાણીથી લઈને જમવા અને રહેવાની સગવડો આપવામાં આવી રહી છે ત્યારે વડગામ તાલુકાના ફતેગઢ ગામના મુસ્લિમ બિરાદરોએ પણ ધર્મના ભેદભાવ રાખ્યા વગર અંબાજી પગપાળા જતા હિન્દૂ લોકો માટે ગામના હિન્દૂ ભાઈઓ સાથે મળીને સેવા કેમ્પ ખોલ્યો છે અને તેમાં ચા, પાણી અને નાસ્તા સહિત મેડિકલની સગવડ ઉભી કરીને યાત્રિકોને આવકારીને તેમની સેવા કરી રહ્યા છે.
ભાદરવી પૂનમનો મેળો હિન્દૂઓ માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યારે કેમ્પમાં સેવા આપી રહેલા મુસ્લિમો કહી રહ્યા છે કે, અમે કોઈ ધર્મ કે, નાતજાતમાં માનતા નથી. “માં અંબા” પ્રત્યે શ્રદ્ધા રાખીને લોકો દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે ભક્તોની સેવા કરવી એ અમારી ફરજ છે. કોઈપણ ધાર્મિક અસ્થામાં કોઈ નાતજાત કે, ધર્મ બાધા રૂપ ન થવો જાેઈએ…અમને અંબાજી જતા હિન્દૂ ભાઈઓની સેવા કરીને અનહદ ખુશી થઈ રહી છે. ભક્ત એ ભકત જ છે પછી તે કોઈ પણ ધર્મ અને નાતનો હોય તેની સેવા કરવી એ માનવતા છે તેથી અમે અંબાજી જતા ભક્તોની સેવા કરીયે છીએ અમે દેશમાં ભાઈચારો અને અમન રાખવા માંગીએ છીએ ભક્તો પણ અમારા જ ભાઈઓ છે અને તેમને તકલીફ ન પડે તે અમારી ફરજ છે.