અમદાવાદ,
વિશ્વભરમાં વ્યાપેલી કોરોનાની મહામારીમાં માસ્ક સૌથી મહત્વનું મનાય છે, આવામાં ગુજરાતમાં માસ્કના દંડમાં 50%નો ઘટાડો કરવા અંગે રજૂઆત કરવામાં આવશે, એટલે કે માસ્કના દંડને 1000થી ઘટાડીને 500 રુપિયા કરવા અંગે હાઈકોર્ટને અનુરોધ કરવા માટે સીએમ વિજય રુપાણી સંબંધિત વિભાગોને સૂચના આપી છે.
કોરોનાની મહામારીમાં નાગરિકો નિયમોનું પાલન કરે તે માટે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આવામાં કામના સ્થળ પર અને ઘરની બહાર નીકળીને માસ્ક ફરજિયાત પહેરવા માટેનો નિયમ લાગુ કરાયો છે. જેમાં જો વ્યક્તિએ માસ્ક ના પહેર્યું હોય તો 1000 રુપિયા દંડ વસૂલવામાં આવે છે અને નાકથી નીચે માસ્ક હોય તો 200 રુપિયાના દંડની જોગવાઈ કરાઈ છે. આવામાં માસ્કના 1000 રુપિયા દંડમાં ક્યારેક ગરીબ વ્યક્તિ સપડાઈ જતા તેમને મોટો આર્થિક ફટકો પડતો હોય છે આ સિવાય સોશિયલ મીડિયા પર પણ માસ્કના દંડની કિંમત વધુ હોવાની અનેક પોસ્ટ થતી રહે છે. આવામાં ઘણી વખત દંડ બાબતે પોલીસ અને નાગરિકો વચ્ચે માહોલ ગરમ થવાના કિસ્સા પણ સામે આવતા રહ્યા છે.
કોરોનાની બીજી લહેરના કઠીન સમય દરમિયાન લોકોએ સ્વૈચ્છાએ સ્વચ્છતા અને સુરક્ષાનું પાલન કરવાનું શરુ કર્યું છે. આમ છતાં કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના આદેશ પર સંબંધિત વિભાગોને દંડની રકમ 1000થી ઘટાડીને 500 કરવામાં આવે તેવી રજૂઆત હાઈકોર્ટમાં કરવા માટે જણાવ્યું છે.