મોટા નાયતા ગામમાં 4 વર્ષના પુત્રને કરંટ લાગતાં વાયર પકડી માતાએ પુત્રને બચાવ્યો
પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ માતા-પુત્રને રજા અપાઈ
પાટણ,
માતાની હુંફ પ્રેમ અને પોતાના જીવ કરતા બાળકના જીવને વધારે મહત્વ હોય છે. સંતાનને મોતના મોંમાંથી છોડાવવા મોત સામે લડત આપતી “માં તે માં”ની કહેવતને સાકાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે મંગળવારે સાંજે 4 વર્ષનો બાળક ઘરમાં રમતો હતો ત્યારે ભેજવાળા વાતાવરણના કારણે છૂટો વીજ વાયર પકડતાં કરંટ લાગતાં બુમ પાડતા માતા દોડી આવીને પોતાના જીવની પરવાહ કર્યા વગર બાળકને ઘક્કો મારી પોતે વાયરને પકડી લઇ બાળકને છોડાવ્યો હતો. વાયર પકડતાં માતાને પણ કરંટ લાગ્યો હતો. પાડોશીઓ દોડી આવી મેન સ્વીચ બંધ કરી માતા-પુત્રને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસેડ્યા હતા. બે દિવસની સારવાર બાદ માતા-પુત્રને રજા આપી હતી. મોટા નાયતા ગામે પાલવીયાપરા ગામમાં 4 વર્ષનો બાળક સુમિતજી ઠાકોર ઘરમાં મંગળવારે સાંજે રમી રહ્યો હતો ત્યારે અચાનક ટેબલ પંખાનો વાયર પકડતાં કરંટ લાગતા ચીચકારી પાડવા લાગ્યો હતો.
અવાજ સાંભળીને માતા ભારતીબેન ઠાકોર દોડી જઈ વાયર પકડી બાળકને ધક્કો મારી દુર કર્યો હતો. આજુબાજુમાં રહેતાં પાડોશીઓએ આવીને મેન સ્વીચ બંધ કરી ભારતીબેનને છોડાવ્યા હતા. દિકરા અને માતાના હાથ દાઝી જતાં બંનેને તાત્કાલિક ખાનગી વાહન મારફતે પાટણની સદ્ભાવના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. ત્યારે માતાને ડોક્ટર દ્વારા ઈમરજન્સી વોર્ડમાં સારવાર કરતા બોટલ ચડી રહ્યા હતા ત્યારે ભારતીબેન મારા છોકરાને લાવો… મારા છોકરાને લાવો તે રટણ કરીને જીદ કરી રહ્યા હતા. ત્યારે પાટણ ખાનગી દવાખાને સારવાર લેતાં બાળકને માતા પાસે લાવ્યા હતા જેને જોઈ માતાના જીવમાં જીવ આવ્યો હતો.
પાટણની સદ્ભાવના હોસ્પિટલ ખાતે બંનેની સારવારબાદ તબિયતમાં સુધાર આવ્યા બાદ બુધવારે માતા અને દિકરાને રજા આપવામાં આવી હતી.