જિનેવા,
દેશમાં પહેલી વખત જોવા મળેલા કોરોના વાયરસના વેરિયન્ટનું નામ ડેલ્ટા રખાયું છે. એટલું જ નહીં, ભારતમાં જોવા મળેલા બીજા વેરિયન્ટને કપ્પા નામ અપાયું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આ બંને નામોની જાહેરાત કરતા કહ્યું કે, ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરીને આ નામકરણ કરાયું છે.
WHOએ કહ્યું કે, કોવિડ વેરિયન્ટ્સના આ નવા નામ હાલના વૈજ્ઞાનિક નામોમાં પરિવર્તન નહીં કરે. આ પહેલાની જેમ જ ભવિષ્યના વૈજ્ઞાનિક પ્રયોગો માટે ઉપયોગમાં લેવાતા રહેશે. હકીકતમાં, વૈજ્ઞાનિક નામ સમગ્ર દુનિયામાં એક જ હોય છે, જે તેની વિશેષતાઓના આધાર પર રાખવામાં આવે છે.
WHOના કોવિડ-19ના ટેકનિકલ વિભાગના પ્રમુખ ડો. મારિયા વાન કેરખોવે કહ્યું કે, કોઈપણ દેશને કોરોના સ્ટ્રેનને લઈને કલંકિત ન કરવો જોઈએ. WHOની આ સલાહ હકીકતમાં કેટલાક દિવસો પહેલા દુનિયાભરના અલગ-અલગ દેશોમાં મળેલા કોવિડ-19ના વેરિયન્ટ્સને એ દેશો સાથે જોડવામાં આવ્યા બાદ આવી છે. આ નામોને લઈને ભારત સહિત ઘણા દેશ વાંધો ઉઠાવી ચૂક્યા છે.
ભારતમાં મળેલા કોરોના વેરિયન્ટ્સના વૈજ્ઞાનિક નામ બી.1.617 અને બી.1.618 છે. તેમાં બી.1.617 વેરિયન્ટ સૌથી પહેલા જોવા મળ્યો હતો. તેને ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેન પણ કહેવાયો હતો. કોરોનાના આ જ વેરિયન્ટનું નામ ડેલ્ટા રખાયું છે. તે ઉપરાંત બી.1.618 વેરિયન્ટને કપ્પા નામથી ઓળખવામાં આવશે. આ વેરિયન્ટ વાયરસના ઓરિજનલ વેરિયન્ટની સરખામણીમાં વધુ સરળતાથી ફેલાઈ રહ્યો છે. કોરોના પર કામ કરી રહેલી WHOની વૈજ્ઞાનિક મારિયા વાન કેરખોવે કહ્યું હતું કે, કોરોનાનો બી.1.617 વેરિયન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેની જાણકારી ઉપલબ્ધ છે. WHO મુજબ, ભારતના બી.1.617 વેરિયન્ટ વાયરસની સંક્રમણ ક્ષમતા ઘણી વધારે છે.