ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરાયો આદેશ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ શહેરની હકુમત સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્લામાં રહેણાંક કે ઔદ્યોગિક મકાન ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ આદેશ કર્યો છે.
અમદાવાદ શહેર વિસ્તાર કે અન્ય જગ્યાએ બહારથી આવતા ભાડુઆતો માટે અધિક મેજીસ્ટ્રેટ દ્વારા ખાસ પ્રકારની સૂચના વિવિધ પ્રવૃતિઓને રોકવા માટે તેમજ દરેક પ્રકારની ગતિવીધી નજર પોલીસ દ્વારા વિગતો સાથે રાખી શકાય તે માટે મેજીસ્ટ્રેટ દ્વારા આ આદેશ કરાયો છે.
મકાન ભાડે આપતા પહેલાં પોલીસ સ્ટેશને માહિતી પત્રકમાં અનુક્રમે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત ક્યા વિસ્તારમાં કેટલા ચો.મી. બાંધકામ મકાન, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ અને સરનામુ, મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડુ કેટલુ નક્કી કરેલ છે તે રકમ રૂપિયામાં, કઇ વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમનો સંપૂર્ણ બાયોડેટા, ફોટો, સહી સરનામા અને સંપર્ક સાથેની સંપૂર્ણ વિગતો, જેમાં ભાડૂઆતનું મૂળ નામ, રહેવાશી, ધંધો, ધંધાનૂં સ્થળ, તેની ઓળખ અંગેના પુરાવાની વિગતો, મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિ, એજન્ટ-બ્રોકરની તમામ વિગતો તેમજ અન્ય વિગતો વાળા સાત કોલમવાળી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.
તા. ૦૮-૦૪-૨૦૨૨ થી તા.૦૬-૦૬-૨૦૨૨ સુધી અમલી આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર થશે એમ જાહેરનામામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ જણાવ્યું છે.