Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ભાઈને રાખડી બાંધવા જતી બહેનનું પર્સ ચોરાઈ જવાની ઘટના સામે આવી….

નર્મદાના રાજપીપળા એસ.ટી ડેપોની ઘટના : ST ડેપોના CCTV કેમેરા કાયમી ધોરણે બંધ હોઈ, ચોરોને મોકળું મેદાન મળી ગયું છે, ડેપો મેનેજરને આ બાબતે પૂછતાં તેમણે કેમેરા ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.

સાજીદ સૈયદ, નર્મદા

રક્ષા બંધનનો તહેવાર હોઈ રાજપીપળા એસ.ટી ડેપોમા મુસાફરોની ભારે ભીડ હતી ત્યારે, રાજપીપળા નજીકના એક ગામના બહેન પોતાના ભાઈને રાખડી બાંધી પરત વડોદરા જવા માટે રાજપીપળા એસ.ટી ડેપો આવ્યા હતા, ત્યારે તેઓના ભાઈ તેમને ST ડેપોએ મુકવા માટે આવ્યા હતા. લગભગ સવારે 11 કલાકના સુમારે વડોદરાની બસ પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવતા બસમા ચડતી વખતે કોઈએ મહિલા મુસાફરનું પાકીટ સેરવી લીધું હતું. બસમા બેસી ગયા બાદ પોતાનું પર્સ ન મળતા મહિલા બેબાકળી બની હતી, અને બસમા શોધખોળ કરી પરંતુ પાકીટ ન મળતા મહિલા રાજપીપળા પોલીસ મથકે પહોંચી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ તાત્કાલિક એસ ટી ડેપોમા દોડી આવ્યો હતો. 

એસ.ટી ડેપોમાં લાગેલા CCTV કેમરા બંધ હોઈ પોલીસની તપાસ અટકી પડી છે, ભૂતકાળમાં પણ આ ડેપોમા દર મહિનાની 1 તારીખે મહિલા મુસાફરોના પર્સ તફડાવી લેવાની ઘટનાઓ બનતી હતી. ત્યારે મહિલા મુસાફરોને નિશાન બનાવતી એક મહિલા ચોર પકડાઈ જતા, ઘટનાઓ બંધ થઈ ગઈ હતી, ત્યારે લાંબા વિરામ બાદ આજે ફરી આ પ્રકારની ઘટના બનવા પામી છે. 
ST ડેપોમાં માત્ર બે જ કેમરા અને એ પણ બંધ જણાતા ડેપોના સંચાલકોની ગંભીર બેદરકારી છતી થવા પામી છે. મળતી માહિતી મુજબ મહિલાના પાકીટમા રોકડ અને સોનાની રકમ મળી લગભગ  ₹73,000/- ની માલમત્તા ચોરાઈ ગઈ હોવાની વિગતો મળી રહી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *