અમદાવાદનો ઐતિહાસિક ત્રણ દરવાજા ભદ્ર પ્લાઝા વિસ્તાર મ્યુનિ. શાસકોની નિષ્ક્રિયતાને કારણે બન્યો બદતર વિસ્તાર : બુરહાનુદ્દીન કાદરી
રૂ. ૮૦ કરોડના ખર્ચે વિકાસ કરાયા બાદ જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ : સામાજિક કાર્યકર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના હાર્દ સમાન ત્રણ દરવાજા ભદ્ર વિસ્તારમાં રૂપિયા ૮૦ કરોડના ખર્ચે ભદ્ર પ્લાઝાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુની આદત મુજબ યોગ્ય જાળવણી ન કરાતા આ ભદ્ર પ્લાઝા સહેલાણીઓ, પ્રવાસીઓ અને બઝારમાં આવતા ખરીદારો માટે મુશ્કેલીઓ ઉભી કરવા સમાન બની ગયો છે.
આજથી આઠેક વર્ષ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક બદ્રના કિલ્લાને વિકસિત કરવા ભદ્ર પ્લાઝાનું નિર્માણ કર્યું હતું. બદ્રના કિલ્લાની આસપાસના વિસ્તાર સહિત ત્રણ દરવાજા સુધીના વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો હતો. લાલ પથ્થરો, સુશોભિત લાઈટ, ફુવારા વગેરેને લઈ આ ભદ્ર પ્લાઝા ખૂબ જ સુંદર લાગતો હતો, તેને જોવા દૂર દૂરથી લોકો પધારતા હતા, પરંતુ એકવાર વિકાસ કાર્ય કર્યા બાદ તેને નોંધારા છોડી દેવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂની ટેવ મુજબ ભદ્ર પ્લાઝાને પણ નોંધારો છોડી દેવાતા હાલ આ ઐતિહાસિક પ્લાઝા તેના ભવ્ય ભૂતકાળને યાદ કરતા આંસુ સારી રહ્યો છે.
રાયખડના સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ બદ્રના કિલ્લાની અને આસપાસના વિસ્તારની બદતર હાલત જોઈ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, એક સમયે શહેરની શાન ગણાતો બદ્રનો કિલ્લો અને ત્રણ દરવાજા સુધીના વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યા બાદ પ્રજાની મુશ્કેલીમાં વધારો થયો છે. આ વિસ્તારમાં રોજ હજારો પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની અવરજવર રહે છે. ખરીદી માટે પણ આ વિસ્તાર જાણીતો હોવાથી રાજ્યભરમાંથી લોકો ખરીદી માટે અહીં ઉમટી પડે છે. પરંતુ અહીં નાખવામાં આવેલા પોલિસ્ડ પથ્થરો ભીના થવાથી મહિલાઓ બાળકો અને વૃદ્ધો લપસી પડવાના અસંખ્ય બનાવો બની રહ્યા છે. કેટલીકવાર તો વાહન ચાલકો પણ લપસી પડ્યાના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. ઉપરાંત ભદ્ર પ્લાઝામાં ઠેર ઠેર પથ્થરો ઉખડી ગયા હોવાથી નાના મોટા અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. ખાસ કરીને ચોમાસામાં આ ખાડામાં પાણી ભરાવાથી બાળકો અને મહિલાઓ લપસી પડે છે. બીજું કે યોગ્ય સાફ સફાઈ થતી ન હોવાથી ભદ્ર પ્લાઝા ખૂબ જ ગંદો ભાસી રહ્યો છે. ઉપરાંત ફુવારો પણ બંધ હાલતમાં હોવાથી શોભાના ગાંઠિયા જેવો બની રહ્યો છે.
ભદ્ર પ્લાઝાના વિસ્તારનો પુનઃ વિકાસ કરવાની માંગણી કરતા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ જણાવ્યું છે કે, અમદાવાદને જે ઐતિહાસિક ઇમારતોને કારણે વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે તે જ ઇમારતો તરફ દુર્લક્ષ સેવવાથી આ દરજ્જો લાંબો સમય જળવાઈ રહેશે કે કેમ તે શંકાનો વિષય છે. આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન ખરેખર અમદાવાદ શહેરનું અને શહેરીજનોનું હિત ઇચ્છતી હોય તો ભદ્ર પ્લાઝા વિસ્તારને પુનઃ માણવા યોગ્ય બનાવવા પ્લાઝામાં ઉખડી ગયેલા પથ્થરો ઉખેડી રફ પથ્થરો નાખવામાં આવે, ફુવારો પુનઃ ચાલુ કરવામાં આવે તથા યોગ્ય સાફ-સફાઈ નિયમિત રીતે કરવામાં આવે તેવી શહેરીજનોની લાગણી અને માંગણી છે.