મૈસૂર,તા.૧
લોકડાઉનના સમયે પ્રવાસી મજૂરોની કેટલીય વાતો સામે આવી હતી જેને જાેઇ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. એટલે સુધી કે સાઇકલ ગર્લ જ્યોતિ કુમારી પોતાના પિતાને ૧૩૦૦ કિલોમીટર દૂર પોતાના ગામ સાઇકલ પર લઇ ગઇ હતી. આ વખતે બીજી લહેરમાં પણ કેટલાંય આવા સમાચાર આવ્યા. હવે એક મજૂર પિતા પોતાના બીમાર દીકરાની દવા માટે લોકડાઉન દરમ્યાન ૩૦૦ કિલોમીટર દૂર ગયા તે પણ સાઇકલ પર.
મૈસૂર જિલ્લાની પાસે કેટી.નરસીપુરા તાલુકાના કોપ્પલુ ગામના રહેવાસી છે. ૪૫ વર્ષના આનંદ એક મજૂર છે. તેમનો દીકરો બીમાર રહે છે. તેમની સારવાર બેંગલુરૂની નિમહંસ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમનું કહેવું છે કે ડૉકટર્સે કહ્યું છે કે તેમના દીકરાને ભૂલ્યા વગર ૧૮ વર્ષ સુધી એક દવા ખાવાની છે. ત્યારબાદ તેના સાજા થવાની સંભાવના છે. આ દવા લેવા માટે જ તેઓ સાઇકલથી બેંગલુરૂ ગયા હતા.
તેમની પાસે પોતાના દીકરાની દવા લેવા જવા માટે પ્રાઇવેટ વ્હિકલ સુધી બુક કરવાના પૈસા નહોતા. આથી આનંદને સાઇકલથી જ પોતાના દીકરાની દવા લેવા જવું પડ્યું હતું. તેઓ દહાડી મજૂર છે. દરરોજ મજૂરી કરીને જ કમાય છે પરંતુ લોકડાઉનના લીધે કામ મળી રહ્યું નહોતું. તેમણે કહ્યું કે તેમની માટે આ સફર સરળ નહોતી. ધગધગતા તાપમાં તેમણે સાઇકલ ચલાવી. કેટલીય જગ્યાએ પોલીસે રોકયો તો પિતાએ પોતાની મજબૂરી બતાવી. એટલે સુધી કે તેમની પાસે જમવાના પૈસા પણ નહોતા. તેમણે ભૂખ્યા પેટે કેટલાયં કિલોમીટર સુધી સાઇકલ ચલાવી.
પિતા આનંદ કહે છે કે જ્યારે મારો દીકરો છ મહિનાનો હતો ત્યારથી તે આ બીમારીથી ઝઝૂમી રહ્યો છે. અમે કયારેય તેની દવા મિસ કરી નથી. બેંગલુરૂની નિમહંસ હોસ્પિટલમાંથી આ દવા મફત મળે છે. દર બે મહિના બાદ અમે લેવા જઇએ છીએ પરંતુ આ વખતે લોકડાઉન હતું અમે જઇ શકયા નહીં.
રવિવારના રોજ આનંદ દવા લેવા માટે નીકળ્યા હતા. રાત્રે ત્યાં પહોંચી ગયા. રાત્રે એક મંદિર પાસે જ સૂઇ ગયા. સવારે દવા લીધા અને મંગળવારના રોજ પાછો ઘરે પહોંચ્યો. આવું અઘરું કામ એક બાપ જ પોતાના દીકરા માટે કરી શકે છે.