સુરત,
આજના સમયમાં લાખોની લોન લઈને પોતાના ઘરનું સપનું લોકો પૂરું કરતાં હોય છે અને આખરે જ્યારે આ ઘર મળી જાય ત્યારે ખુશીનો પાર રહેતો નથી. પણ બિલ્ડરની એક ભૂલને કારણે જ્યારે ઘરને સીલ મારી દેવામાં આવે તો ક્યાં જવું તેની ચિંતા સતાવા લાગે છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. જેમાં બિલ્ડરે બેંકની લોન ન ભરવાને કારણે ૪૨ પરિવારો રસ્તા પર આવી ગયા છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હેત્વી હાઈટ્સમાં એકાએક બેંકના કર્મચારીઓ મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે આવતાં રહેવાસીઓ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે બેંક કર્મીઓએ કહ્યું કે, તમારા ફ્લેટને સીલ મારવાનું છે તો લોકો અવાક બની ગયા હતા અને જ્યારે કારણ પુછવામાં આવ્યું તો તેઓ આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. બેંકોએ જણાવ્યું કે, બિલ્ડરે લોનના ૧.૬૭ કરોડ ન ભરતાં ફ્લેટોને સીલ મારવામાં આવ્યા છે.
બેંકો દ્વારા ૪૨ ફ્લેટોને સીલ મારી દેતાં હવે આ ૪૨ પરિવારો રસ્તા પર આવી ગયા છે. અને તેઓએ હવે પાર્કિંગમાં ધામા નાખવાનો વારો આવ્યો છે અને વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ પરિવારોએ પણ બેંકમાંથી લોન લઈને આ ફ્લેટ ખરીદ્યા હતા. તો જાે બિલ્ડરની જ લોન બાકી હતી તો બેંકોએ કેવી રીતે તેમને લોન પર ફ્લેટ આપ્યા. તેવામાં આમાં બિલ્ડરની ભૂલ સાથે બેંકોના પણ મોટા ગોટાળા સામે આવે તેવી શક્યતા છે. પણ હવે આ ૪૨ પરિવારોનું શું ? તેમના માથા ઉપરનો આસિયાનો છીનવાઈ જતાં તેઓ ભારે ચિંતામાં મુકાયા છે.