મહેસાણા,તા.૨૯
મોબાઈલ વાપરતા લોકો માટે સાવધાનીનો કોલ આપતી એક ઘટના હાલ સામે આવી છે. પેન્ટમાં કે ખિસ્સામાં અથવા તો મોબાઇલ ફોન ચાર્જિંગમાં હોય ત્યારે તેમાં બ્લાસ્ટના કિસ્સા અનેક સાંભળ્યા હશે, પરંતુ મહેસાણામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને ફોન પર વાતો કરતી વખતે બ્લાસ્ટ થતાં એક કિશોરીનું મોત થયાનો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે બુધવારે એક દુર્ઘટના બની છે, જેમાં એક ૧૭ વર્ષીય શ્રધ્ધા દેસાઈ નામની યુવતી મોબાઇલ ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. આ દરમિયાન મોબાઇલમાં કોઈક કારણોસર ધડાકા સાથે ફૂટતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિશોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવાર ડરી ગયો હતો, આ વાતની જાણ વાયુવેગે ગામમાં પ્રસરી હતી, જેથી પરિવાર જ નહીં પરંતુ આ ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
છેટાસણા ગામમાં શંભુભાઇ પ્રભાતભાઇ દેસાઇનો પરિવાર રહે છે, તેમની ૧૭ વર્ષીય દીકરી શ્રદ્ધા દેસાઈ બુધવારે સવારે નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરના ઉપરના માળે મોબાઇલ પર વાત કરી રહી હતી. મોબાઈલની બેટરી લો હોવાથી શ્રદ્ધા ફોનને ચાર્જિંગમાં રાખીને વાત કરી રહી હતી. આ દરમિયાન કોઈ કારણોસર મોબાઇલમાં ધડાકો થયો હતો. ધડાકો એટલો જાેરદાર હતો કે શ્રદ્ધાને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાથી આસપાસના લોકો અને ઘરના સભ્યો ઉપરના માળે દોડી ગયા હતા. પરિવારે રૂમમાં જાેયું તો મોબાઈલમાં ધડાકાને કારણે દીકરીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. બીજી બાજુ શ્રદ્ધા દેસાઈ જે રૂમમાં વાત કરી રહી હતી તેમાં ઘાસ ભર્યું હોવાથી તે પણ સળગી ગયું હતું. જે બાદ પાણીનો મારો ચલાવીને આગને બૂઝાવવામાં આવી હતી.