(નવસારી) યુસુફ એ શેખ
ફળોનો રાજા તરીકે ઓળખાતી કેરીની સિઝન શરૂ થઇ ગઇ છે ગુજરાતના દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કેરીની ખેતી કરવામાં આવે છે. જાે કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ખેડુતો પોતાની આવડત મુજબ કેરીનો પાક લેતા હોય છે. કેરીના ફળમાંથી અનેક પ્રકારની વેરાયટીઓ તૈયાર કરવામાં આવે છે જેનો આસ્વાદ કેરીના શોખીનો પોતાના પસંદગી મુજબ કરતા હોય છે. પાકી કેરીના ટૂકડા, કેરીનો રસ, કાચી કેરીની ચટણી, વિવિધ પ્રકારનો અથાણા, મુરબ્બો જેવી અનેક વેરાયટીઓ બનાવવામાં આવે છે, કેરીના અથાણાનું બહુ મોટું માર્કેટ છે જે આખા વર્ષ દરમિયાન ચાલે છે, વિદેશોમાં વસ્તા ગુજરાતીઓ અને ભારતીયોમાં કેરીના અથાણાની બહુ ઉંચી માગ જાેવા મળે છે.
કેરીની ખેતી તથા કેરીની વિશેષતાની માહિતી આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારીના ડીન ડો. સી.કે. ટીંબડીયા જણાવે છે કે આંબો એ ભારતનું પ્રાચીન ફળ ઝાડ છે આશરે ૪થી૬ હજાર વર્ષ પૂર્વથી ભારતમાં આંબો જાેવા મળે છે. રામાયણ અને મહાભારતમાં પણ આંબો કેરીનો ઉલ્લેખ છે. આંબો તથા કેરી સંસ્કૃતમાં આમ્રફળ નામથી ઓળખાય છે. ઇ.સ. પૂર્વે સાતમી સદીમાં ભારતનાં પ્રવાસે આવેલા ચીની મુસાફરોના પ્રવાસ વર્ણનમાં કેરીનો ઉલ્લેખ થયો છે. આંબાનું મુળ વતન ઉત્તર તથા પૂર્વ ભારત અને હિમાલયના પહાડી પ્રદેશો હોવાનું મનાય છે. કેરીનું પોશણ મૂલ્ય, સ્વાદ, આકર્ષણો દેખાવ તથા તેનો વિવિધ ઉપયોગીને કારણો જ તેને ફળોના રાજાનું બિરૂદ મળ્યુ છે.
સામાન્યત : ગુજરાતમાં કેરીની સિઝન મે-જૂન માસ દરમિયાન દોઢ-બે મહિનાની હોય છે. જો કે, માર્ચ એપ્રિલમાં માર્કેટમાં આવી જાય છે જેનો લોકો વિવિધ પ્રકારે ઉપયોગ કરે છે. કેરી અપરિપકવ નાની હોય ત્યાથી પાકે ત્યાં સુધી તેને વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે. અપરિપકવ કેરીનો ઉપયોગ ચટણી, અથાણા, આમચૂર અને પીણાં બનાવવામાં કરવામાં આવે છે. પાકી કેરીના ટુકડા, રસ તથા માવાને પ્રોસેસ કરી ડબ્બામાં રાખીને લાંબો સમય સુધી તેનો સ્વાદ માણી શકાય છે. કેરીમાંથી અથાણા રસ ઉપરાંત સ્કવૉશ, મુરબ્બા, સીરપ, કેન્ડી, મેગોબાર, પાપડ વગેરે બનાવટો તૈયાર કરી તેનું મુલ્યવર્ધન કરવામાં આવે છે. ૧૦૦ ગ્રામ પાકી કેરીનાં માવામાં ૪૮૦૦ મી.ગ્રામ, વિટામીન એ, ૪૦ મી.ગ્રામ વિટામીન બી તથા ૫૦ મી. ગ્રામ વિટામિન મળે છે ૧૦૦ ગ્રામ પાકી કેરી માંથી ૬૦ કેલરી મળે છે.
દેશનાં જુદા જુદા રાજ્યોમાં આંબાની ૧૩૦૦ જેટલી જાતો ઉગાડવામાં આવે છે. જાે કે તે પૈકી ૨૦થી ૨૫ જેટલી જ જાતો વ્યાપારિક દ્રષ્ટિએ અગત્યતા ધરાવે છે. ગુજરાતમાં જાેવા મળતી કેરીની વિવિધ જાતો પૈકી દેશી, આફુસ, કેસર, લંગડો, રાજાપુરી, તોતાપુરી, સરદાર, દાડમીયો, નીલમ, આમ્રમાલી, સોનપરી, નિલફોન્સો, દશેરી, વશી બદામી, જમાદાર, મલગોબા વગેરે મુખ્ય જાતો છે.