અમદાવાદ,તા.૨૩
SVPને વેગ આપવા વીએસ હોસ્પિટલ બંધ કરી, પરંતુ એસવીપી હોસ્પિટલ જ મરણપથારીએ : ગ્યાસુદ્દીન શેખ
એસવીપી હોસ્પિટલમાં સ્ટાફની સંખ્યા પાંચ હજારથી વધુ પરંતુ દર્દીઓની સંખ્યા ૧૦૦થી વધતી નથી
રાજ્યના તમામ જિલ્લામાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ભરતી કરો.
સરકારી હોસ્પિટલમાં મશીન છે ત્યાં ઓપરેટર નથી અને ઓપરેટર છે ત્યાં મશીન નથી.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો સરકારને એક પ્રશ્ન ‘રાઈટ ટુ હેલ્થ’નો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું છે કે, રાઈટ ટુ હેલ્થ અંગે કોઈ રજૂઆત મળી નથી. ગ્યાસુદ્દીન શેખે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ‘રાઈટ ટુ એજ્યુકેશન’ દ્વારા કોંગ્રેસની સરકારે લોકોને શિક્ષણનો અધિકાર આપ્યો તેમ ‘રાઈટ ટુ હેલ્થ’ દ્વારા લોકોને આરોગ્યવિષયક સુવિધાઓ મેળવવાનો પણ અધિકાર છે. આ અંગે છેલ્લાં ઘણાં વર્ષોથી હું રજૂઆત કરતો આવ્યો છું અને ભાજપ સરકાર સમક્ષ ‘રાઈટ ટુ હેલ્થ’ બનાવવાની માંગણી કરતો આવ્યો છું, છતાં ભાજપ સરકારના પેટનું પાણી હાલતું નથી.
રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ અંગે વાત કરતાં ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાજ્યના લગભગ ૧૯ જિલ્લાઓમાં CT Scan અને MRI મશીનો નથી, જેના કારણે છેલ્લા બે વર્ષમાં ૧૫,૯૫૩ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે. જ્યાં મશીન છે ત્યાં ઓપરેટર નથી અને ઓપરેટર છે ત્યાં મશીન નથી, સરકારી હોસ્પિટલમાં સંકલનનો સંપૂર્ણ અભાવ છે. માનનીય મુખ્યમંત્રીશ્રી માટે રૂ. ૧૯૪ કરોડનું પ્લેન લાવ્યા, તે છેક દિલ્હી સુધી ચર્ચાનો વિષય બન્યો, પરંતુ એની સામે કેટલા જિલ્લામાં CT Scan અને MRI મશીનો મૂકવામાં આવ્યા? તે ભાજપ સરકાર જાહેર કરે.
ધારાસભ્ય શેખે જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી કોલેજમાંથી MBBS પાસ થયેલ ૧,૮૭૯ ડોક્ટરોની નિમણુંક કરી પરંતુ ૧,૨૭૧ ડોક્ટરો ફરજ પર હાજર જ ન થયા. સરકારી મેડીકલ કોલેજોમાં એડમિશન લેવા લાઈનો હોય છે પરંતુ સરકારી દવાખાનામાં ડોક્ટરની ખોટ વર્તાય છે. હાજર ન થયા હોય તેવા ડોક્ટરો પાસેથી બોન્ડની રૂ. ૩૮ કરોડ ૧૫ લાખની રકમ વસુલ કરવાની બાકી છે. બોન્ડનો ભંગ છતાં સરકાર રકમ વસુલ કરી શકતી નથી કે ડોક્ટરોને ફરજ પર હાજર પણ કરી શકતી નથી. અન્ય કોઈ વિભાગના કર્મચારી કે અધિકારી આવું કરે તો સરકાર શું આ રીતે જ નરમ વલણ દાખવે છે? ડોક્ટરો ફરજ પર હાજર ન થતા હોવાના કારણે ગરીબો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા જાય ત્યારે ડોક્ટરો જ ઉપલબ્ધ હોતા નથી. સિવિલ ખાતેની કેન્સર હોસ્પિટલમાં સિનિયર તબીબો તૈયાર થાય છે, પરંતુ ઝાયડસ જેવી ખાનગી હોસ્પિટલમાં જતા રહે છે. ૧૦૦થી વધુ તબીબો કેન્સર હોસ્પિટલ છોડી ઝાયડસ જેવી ખાનગી હોસ્પિટલમાં જતા રહ્યા છે. નાગરિકોને કેન્સરની શ્રેષ્ઠ સારવાર મળે તે જોવાની જવાબદારી સરકારની છે.
ધારાસભ્ય શેખે જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલો હવાલાથી ચાલે છે, નીચેની કેડરને પ્રમોશન અપાતું નથી. નિવૃત્ત થયા બાદ એક્સટેન્શનની પ્રથા કાઢી નાંખવી જોઈએ. સરકારી હોસ્પિટલોમાં જ્યાં એમઆરઆઈ, ઈસીજી, ટીએમટી, એક્સ-રે મશીનો હોય છે ત્યાં વેઈટીંગ હોય છે, મોટાભાગે તારીખો જ આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટરની આજે પણ કમી વર્તાય છે. કોરોના સમયમાં હજારોની સંખ્યામાં વેન્ટીલેટર ખરીદાયા છતાં વેઈટીંગ લિસ્ટ કેમ જોવા મળે છે? રાજ્યના તમામ જિલ્લામાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ભરતી કરવી જોઈએ, જેથી અમદાવાદમાં અન્ય જિલ્લાના દર્દીઓનો લોડ ઘટી શકે.
એસવીપી હોસ્પિટલ બનાવવા રૂ. ૮૦૦ કરોડનો ખર્ચ કર્યો, તેમાં વર્ગ-૪ના કર્મચારી, પેશન્ટ રીસીવર, નર્સિંગ સ્ટાફ પૂરા પાડવા માટે ૧૨ જેટલી આઉટસોર્સીંગ કંપનીઓ છે. એસવીપી હોસ્પિટલમાં સ્ટાફની સંખ્યા પાંચ હજારથી વધુ થવા જાય છે. આ ઉપરાંત રેસીડેન્ડ ડોક્ટરથી લઈ અન્ય તબીબોની સંખ્યા જુદી હોય છે. એસવીપી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ૧૦૦ જેટલી હોય છે જ્યારે સ્ટાફની સંખ્યા પાંચ હજાર છે, આમ સ્ટાફ પાછળ હોસ્પિટલનો ખર્ચ અત્યંત વધી જાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અને સરકારી હોસ્પિટલોમાં સિનિયર ડોક્ટરો કામ કરતા જ નથી, તેઓને ખાનગી હોસ્પિટલોમાં જ રસ હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી છે. વીએસ હોસ્પિટલના તમામ સિનિયર ડોક્ટરોને એસવીપી ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વીએસ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે.
પ્રજાની આરોગ્યવિષયક મુશ્કેલીઓને ખાસ ધ્યાને લઈ સરકારે ‘રાઈટ ટુ હેલ્થ’ બનાવવાની તાતી જરૂરિયાત હોઈ સત્વરે આ દિશામાં હકારાત્મક કાર્યવાહી કરવા ગ્યાસુદ્દીન શેખે માંગણી કરી હતી.