આ ફિલ્મ તેની યુનિક સ્ટોરી, પ્રકાશ ઝાની એક્ટિંગની સાથે તેના અમદાવાદી કનેક્શનને લઈને પણ ચર્ચામાં છે. ‘મટ્ટો કી સાઈકિલ’ના ક્રિએટિવ હેડ માધવી ભટ્ટ અમદાવાદના છે.
મુંબઈ,
શુક્રવારે બોલિવૂડના દિગ્ગ્જ ડીરેકેટર-પ્રોડ્યુસર પ્રકાશ ઝાને મુખ્ય પાત્રમાં ચમકાવતી ફિલ્મ ‘મટ્ટો કી સાઈકિલ’ રિલીઝ થઈ છે. ક્રિટિક્સ દ્વારા આ ફિલ્મની અનોખી સ્ટોરી અને તેના મેકિંગના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. પ્રકાશ ઝા પ્રોડક્શન્સ અને શિવ દેવા પ્રોડક્શન્સ હેઠળ બનેલી આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ‘બુસન ફિલ્મ ફેસ્ટિવલ’માં યોજાયું હતું અને અમેરિકામાં યોજાયેલ ‘સાઉથ એશિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં પણ ફિલ્મનું પ્રીમિયર યોજાઈ ચૂક્યું છે.
આ ફિલ્મ તેની યુનિક સ્ટોરી, પ્રકાશ ઝાની એક્ટિંગની સાથે તેના અમદાવાદી કનેક્શનને લઈને પણ ચર્ચામાં છે. ‘મટ્ટો કી સાઈકિલ’ના ક્રિએટિવ હેડ માધવી ભટ્ટ અમદાવાદના છે. અમદાવાદમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ, તેઓએ ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મુંબઈમાં ફિલ્મ મેકિંગની ટ્રેનિંગ લીધી હતી. ફિલ્મ વિશે માધવીનું કહેવું છે કે, ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ દ્વારા ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મની વાર્તા સિમ્પલ હોવાની સાથે અનોખી છે. તેમાં એક એવા વ્યક્તિની વાર્તા છે, જેનું જીવન તેની સાયકલની આસપાસ ફરે છે. તે દરરોજ સાયકલ લઈને તેના ગામથી શહેરમાં કામ કરવા જાય છે અને એક સમય એવો આવે છે જયારે તેની સાયકલને નુકસાન થાય છે અને તેને નવી સાયકલ ખરીદવી પડે છે. આ ફિલ્મ ભારતમાં મોટાભાગના લોકોની રોજિંદી જીંદગી અને તેમના જીવનના પ્રશ્નોને સિનેમા પડદે રજૂ કરે છે અને આ કારણે જ તે ખાસ છે.
માધવી ભટ્ટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની કારકિર્દી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે શરુ કરી હતી અને અત્યારે તેઓ પ્રકાશ ઝા પ્રોડક્શન્સ સાથે ક્રિએટિવ હેડ તરીકે જાેડાયેલા છે. આ સાથે જ, ઓટીટી પર શાનદાર સક્સેસ મેળવનાર સુપર હિટ વેબ સિરીઝ ‘આશ્રમ’ની રાઈટર્સની ટીમમાં પણ તેઓ સામેલ છે. ફિલ્મના ક્રિએટિવ અને પ્રોડક્શન બંને ડિપાર્ટમેન્ટમાં સાથે કામ કરી ચૂકેલા માધવી ભટ્ટનું કહેવું છે કે, અમે મથુરાના એક ગામમાં જ ફિલ્મનું શૂટિંગ કર્યું છે. ગામડાના લોકોનો પ્રેમ અને મહેમાનગતિ જાેઈને અમે સૌ અભિભૂત થઈ ગયા હતા. એકંદરે, ફિલ્મના શૂટિંગને અમે સૌએ ખૂબ જ એન્જાેય કર્યું છે. તેમનું માનવું છે કે, કોઈપણ ફિલ્મમાં સ્ક્રિપ્ટ જ હિરો હોય છે અને ફિલ્મ સારી બને છે કે ખરાબ તેનો સૌથી મોટો આધાર સ્ક્રિપ્ટ પર જ હોય છે.
આ યુનિક કોન્સેપ્ટને ફિલ્મ સ્વરૂપે લોકો સમક્ષ લાવવાના વિચાર વિશે તેમણે કહ્યું હતું કે, ફિલ્મ પાછળનો આઈડિયા અમારા ડિરેક્ટર એમ. ગનીનો હતો. તેઓ મથુરાના છે અને તેમણે આવા શ્રમિકોની જીંદગી ખૂબ જ નજીકથી જાેઈ છે અને આ કારણે જ શ્રમિકોના જીવન પર આધારિત એક ફિલ્મ બનાવવાની તેમની ઈચ્છા હતી. આ ફિલ્મને ક્રિટિક્સની સાથે IMD પર પણ દર્શકોએ વખાણી છે અને અત્યારે રેન્કિંગ ૯.૬ છે.