Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

પોલીસ હેડ કોન્સ્ટેબલ ACB ટ્રેપમાં ફસાયો

આમલેથા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

સાજીદ સૈયદ, નર્મદા

રાજ્યમાં લાંચ-રુશ્વત વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ પર ચોક્કસ વોચ રાખવામાં આવે છે જેમાં નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનનો એક પોલીસ હેડ કોન્સ્ટેબલ 10,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો હતો, એટલું જ નહીં હેડ કોન્સ્ટેબલ મનોજ વિઠ્ઠલ તડવીએ ₹40,000ની લાંચ માંગી હતી.

 આ અંગેની વિગત એવી છે કે, નર્મદા જિલ્લામાં રહેતો સમીર પ્રેમાભાઇ વસાવા તેનો મિત્ર બંને બાઇક પર બેસીને ખામરથી રાણીપરા ગામ તરફ જતા હતા ત્યારે વીરપોર બસ સ્ટેન્ડ પાસે બાઇક ખાડામાં પડતાં બંને મિત્રોને ઇજા થઇ હતી. બંનેને સારવાર માટે ખસેડાયા હતાં. સમીરને વધુ ઇજા થતાં તેને વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આમલેથા પોલીસે સમીરના મિત્ર સામે ગુનો દાખલ કરી બાઇક કબજે કર્યું હતું.

દરમિયાન બાઇક છોડાવવા માટે બાઇક ચાલક તેના પિતા સાથે પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ મનોજ વિઠ્ઠલ તડવી (રહે. પુરાણીપાર્ક, જૂની કોર્ટની સામે, રાજપીપળા મૂળ રહે. નવાગામ તા. ડેડીયાપાડા)ને મળ્યા હતાં. આ વખતે બાઇક છોડાવવા માટે મનોજ તડવીએ 40,000ની લાંચ માંગી હતી. જો કે, આ રકમ વધુ હોવાથી રકઝકના અંતે આખરે 10,000 આપવાનું નક્કી થયું હતું.

આ ઉપરાંત લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. એસીબીએ લાંચનું છટકું ગોઠવીને આરોપી પોલીસ કોન્સ્ટેબલ મનોજ વિઠ્ઠલ તડવીને ફરિયાદી સાથે રૂબરૂ વાતચીત કરી 10,000ની લાંચ લેતા રંગે હાથ પકડી લીધો હતો. આરોપીને ACBએ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ACB એ નર્મદાના આમલેથા પોલીસ મથકની અંદરથી જ લાંચિયા હેડ કોન્સ્ટેબલને ઝડપી લેતા અન્ય કર્મચારીઓમાં સોપોં પડી જવા પામ્યો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *