જે ઘરમાંથી જાન નીકળવાની હતી ત્યાંથી અર્થી નીકળતા શુભ પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો
નવા ફળિયા સહિત અરેઠ ગામમાં શોકની કાલીમા છવાઇ ગઇ.
સુરત,
માંડવી તાલુકાનાં અરેઠ ગામે બુધવારે રાત્રે ૧:૩૦ વાગ્યાના સમયે ડૉ.જે. સાઉન્ડના તાલે નાચતાં વરરાજાને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જો કે, ટુંકી સારવાર દરમ્યાન વરરાજાનું મોત થતા આનંદના પ્રસંગે શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અરેઠના નવા ફળિયામાં રહેતા મિતેષ રમણભાઇ ચૌધરી (ઉં. વ. ૩૩)ના લગ્ન લેવાયા હતા. સગા સંબંધીઓ આવેલા હોય ઘરમાં અને ફળિયામાં આનંદનું વાતાવરણ હતું. મંડપ મુહૂર્તનાં દિવસે રાત્રીના જમણવાર રાખેલ હતો અને ત્યારબાદ ડી.જે.ના કાર્યક્રમમાં મિત્રો અને સગા સંબંધીઓ સાથે વરરાજા મિતેષ પણ હર્ષભેર નાચતો હતો.
જો કે, નાચતા નાચતા મિતેષને એકાએક છાતીમાં દુઃખાવો થવા લાગતા તેઓએ પરિવારનાં સભ્યોને જાણ કરતા તેમને તાત્કાલિક સારવાર માટે બાઇક પર બેસાડી અરેઠનાં સરકારી દવાખાનામાં લઈ ગયાં હતાં ત્યાંનાં ડોક્ટરે તપાસ કરી વધુ સારવાર માટે મોટા દવાખાને લઇ જવાનું જણાવતા મિતેષને બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ લઇ જવાયો હતો. જો કે ત્યાં ફરજ ઉપરનાં ડોક્ટરે તપાસ કરી મૃત જાહેર કર્યો હતો. ઘરમાંથી જાન નીકળવાનાં બદલે અર્થી નિકળતા શુભ પ્રસંગ માતમમાં ફેરવાય જતાં શોકની કાલીમાં છવાઇ ગઇ હતી.