પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાથી સાંસદ મનસુખ વસાવાએ વોકાઉટ કર્યા બાદ મીડિયા સામે પોતાના ભાજપના હોદેદારો સામે રોષ ઠાલવ્યો.. કહ્યું હું સાચો છું જો નહિ બોલું તો આ લોકો મારા વિષે વધુ ઝેર પ્રદેશ કક્ષાએ ભરશે
બીટીપીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના હરેશ વસાવાને ભાજપમાં જોડાવા ઇચ્છતા ભાજપના આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષ સામે એવી ફરિયાદ કરી કે, આ લોકો ભાજપમાં જોડાવા તૈયાર છે પણ મનસુખભાઈ વિરોધ કરે છે.
સાજીદ સૈયદ, નર્મદા
ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુજરાત ભાજપની વિવિધ જિલ્લાઓની પાર્લામેન્ટરી બોર્ડમાંથી ભરૂચ અને નર્મદાની બાબતો પર ચર્ચા પહેલા સાંસદ મનસુખ વસાવાના વોક આઉટથી અનેક તર્ક વિતર્કો શરું થઈ ગયા અને પ્રદેશ ભાજપમાં રાજકારણ ગરમાયું હતું. સાચાબોલાની છાપ ધરાવતા અને સિનિયર સાંસદ મનસુખ વસાવા અચાનક પર્લામેન્ટરી બોર્ડ છોડીને જતા રહેવાની ઘટના કદાચ ઇતિહાસમાં પહેલી બની હશે. પણ આ ઘટના પાછળ સ્થાનિક આગેવાનો પ્રદેશ કક્ષાએ સાંસદ વિરુદ્ધ વાતો કરી પ્રદેશ કક્ષાના નેતાઓને ગેરમાર્ગે દોરી આ પરિસ્થિતિને જન્મ આપ્યો જેથી સાંસદ રોષે ભરાયા અને મીડિયા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે, હું સાચો છું જો આજે નહિ બોલું તો આ વિરોધી લોકો મારા વિષે વધુ ઝેર પ્રદેશ કક્ષાએ ભરશે.
હું પ્રદેશ અધ્યક્ષને રૂબરૂ મળી જરૂરી ખુલાસો પણ કરીશ પણ હાલ મારા વિરોધીઓને પ્રજા સામે ખુલ્લા પાડવા પડશે, આજે નવા નિશાળિયાઓ હોદ્દાઓ પર બેસી ગયા છે અને પાર્ટીના પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરે છે. પણ હું પાર્ટી વિરોધી કામ નહિ થવા દઉ આ જે લોકો મારો વિરોધ કરે છે તેમને કોન્ટ્રાક કરવો છે રેતી ખનન કરવી છે, જેનાથી લોકો નારાજ છે. હું હંમેશા આદિવસી સમાજ અને ભાજપ પાર્ટી માટે લડતો રહીશ પાર્ટીની છબી ખરડાવાની કોશિશ કરી તો કોઈ પણ સંજોગોમાં નહિ ચલાવી લઉ કેમ કે, અમે ઘર્ષણ અને સંઘર્ષ બંને જોયા છે.
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સામે કેટલાક ખુલાસા કર્યા અને જિલ્લાના હોદેદારો સામે આક્ષેપો કર્યા અને કહ્યું કે, જિલ્લા કક્ષાએથી કેટલાક નેતાઓ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને મારા વિશે ગેરમાર્ગે દોરી રહ્યા છે. મેં હંમેશા પાર્ટીના વિકાસની અને સંગઠનની વાત કરી છે. કોઈ સંશય હોય તો કેવું પડે જેનાથી સ્થાનિકોને લાભ થયો છે પણ મારા વિરોધને મારા જ શુભેચ્છકો પ્રદેશ કક્ષાએ ખોટું ચિત્ર દર્શાવી મારી છબી ખરાબ કરે છે. સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના હરેશ વસાવાને ભાજપમાં લેવામાં સાંસદ વિરોધ કરે છે તેવી વાત ખોટી પ્રદેશ અધ્યક્ષને કહી ગેરમાર્ગે દોરે છે. નાંદોદ ધારાસભ્ય ડો દર્શના દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા આ લોકોએ મારા માટે અધ્યક્ષને ગેરમાર્ગે દોર્યા હોવાનો ખુલ્લો આક્ષેપ મનસુખ વસાવાએ કરતા બીજેપીમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.