પાટડી-બામણવા રોડ પર રાત્રીના અંધારામાં મરચાની ભૂકી નાંખી લૂંટ કરતા ૩ આરોપીઓને LCB પોલીસે ઝડપી પાડયા
પાટડી તાલુકાના બામણવા ગામના હરદિપસિંહ ઇન્દુભા વાઘેલા (દરબાર) બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન લૂંટ ચલાવી નાશી છુટયા હતા
પાટડી-બામણવા રોડ પર રાત્રીના અંધારામાં મરચાની ભૂકી નાંખી વેપારી પાસેથી રૂ. 85 હજારના મુદ્દામાલના લૂંટ કેસમાં સુરેન્દ્રનગર એલસીબીએ આ લૂંટ કેસના બજાણાનો એક આરોપી અને અમદાવાદના બે આરોપીઓ રૂ. 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ત્રણેયના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કરાયા હતા.
આરોપીઓએ મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવી હતી પાટડી તાલુકાના બામણવા ગામના હરદિપસિંહ ઇન્દુભા વાઘેલા (દરબાર) પાટડી જીન રોડ પર આશિર્વાદ હોટલ પાસે ચાની હોટલ ચલાવે છે. ત્યારે તેઓ પાટડીથી બામણવા પોતાના ઘેર જઇ રહ્યાં હતા. ત્યારે બામણવા પાસે મોટરસાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ એમની આંખ પર મરચાની ભૂકી નાંખી રોકડ અને મોબાઇલ મળી રૂ. 85 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. સુરેન્દ્રનગર એલસીબીએ બજાણાના આરોપી અસ્લમ રૂસ્તમ માકડા લંઘાને ઝબ્બે કરી એને સાથે રાખી અમદાવાદ સરખેજ ફત્તેવાડી કેનાલ પાસે રહેતા આશીફ ઇકબાલ શેખ અને નાશીરખાન ફરીદખાન પઠાણને એમના રહેણાંક મકાનમાંથી ઝબ્બે કર્યા હતા. તેમજ એમણે લૂંટેલા રૂ. 49 હજાર રોકડા અને 1 મોબાઇલ મળી કુલ રૂ. 50 હજારનો મુદ્દામાલ ઝબ્બે કર્યો હતો. બાદમાં આ ત્રણેય લૂંટારાઓને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેમના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.