Safeer News

Breaking News from Ahmedabad

દેશ

પહેલી જુલાઇથી ક્રેડિટ-ડેબિટ કાર્ડની ટ્રાન્ઝેક્શન પદ્ધતિ બદલાશે

કાર્ડ-ટોકનાઇઝેશનના અમલથી પહેલી જુલાઇથી ક્રેડિટ-ડેબિટ કાર્ડની ટ્રાન્ઝેક્શન પદ્ધતિ બદલાશે

ગ્રાહકે દરેક ટ્રાન્ઝેકશન માટે તેમના સીવીવી (CVV) અને ઓટીપી (OTP) નાખવા પડશે.


ન્યુદિલ્હી, તા.૧૩

૧ જુલાઇથી કાર્ડ-ટોકનાઇઝેશન અમલમાં આવશે જેના કારણે ગ્રાહકોની કાર્ડ ટ્રાન્ઝેક્શનની પધ્ધતિ બદલાશે. સિકયોરિટી અને પ્રાઇવેસીનાં કારણોસર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ વેપારીઓને ૩૦ જૂન સુધીમાં ગ્રાહકોના કાર્ડ ડેટા દુર કરવાનો આદેશ આપ્યો હતો, તેનો અર્થ એ છે કે કાર્ડ પરની દરેક ખરીદી માટે, ગ્રાહકે કાં તો કાર્ડ ડેટા મેન્યુઅલી જાતે નાખવો પડશે અથવા વેપારીને કાર્ડ-ઓન-ફાઇલ ટોકનાઇઝેશન કરવા માટે મંજૂરી આપીને જનરેટ થયેલા ટોકનથી ટ્રાન્ઝેક્શન પુરું કરવાનું રહેશે.

આરબીઆઈએ કાર્ડ-ઓન-ફાઇલ ટોકનાઇઝેશન માટેની અંતિમ તારીખ ૧ જાન્યુઆરી નક્કી કરી હતી. જાે કે પેમેન્ટ કંપનીઓ સહિત સંબંધિત ઉદ્યોગોએ ટોકનાઇઝેશન માટેની સિસ્ટમમાં ફેરફાર કરવા માટે વધુ સમયની જરૂર હોવાની રજુઆત કરતાં મુદત લંબાવીને ૧ જુલાઇ કરાઇ હતી. ૧ જુલાઈથી કાર્ડ-ટોકનાઇઝેશન અમલમાં આવ્યા પછી, કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં સામેલ કોઈ પણ પાર્ટીને કાર્ડ ઇશ્યુઅર અને કાર્ડ નેટવર્ક સિવાય ગ્રાહકના કાર્ડ ડેટાની સીધી એક્સેસ મળશે નહીં. વેપારી ગ્રાહકોના કાર્ડ ડેટા સ્ટોર કરી શકશે નહીં અને તેમણે ડેટા માસ્ક કરવો પડશે.

નવા નિયમ હેઠળ ગ્રાહક વેપારી દ્વારા આપવામાં આવેલી એપથી ટોકન માટે રિક્વેસ્ટ કરશે. તે પછી, કાર્ડ જારી કરનારની પરમિશન સાથે કાર્ડ નેટવર્ક એક ટોકન જનરેટ કરશે, જે ટ્રાન્ઝેક્શનમાં સામેલ તમામ માટે યુનિક હશે. સામાન્ય ઓનલાઇન ખરીદીમાં તે આ રીતે કામ કરશે. ટ્રાન્ઝેક્શન શરૂ થાય તે પહેલાં, વેપારી ટોકનાઇઝેશન સેટ કરશે અને ગ્રાહકની પરમિશન પછી ટોકન બનાવવા માટે કાર્ડ નેટવર્કને રિકવેસ્ટ મોકલશે. કાર્ડ-નંબર પર પ્રોક્સી તરીકે કામ કરનાર ૧૬ આંકડાનો નંબર વેપારીને પરત મોકલવામાં આવશે, જે તમામ ટ્રાન્ઝેક્શન માટે આ નંબરને સેવ કરશે. ગ્રાહકે દરેક ટ્રાન્ઝેકશન માટે તેમના સીવીવી અને ઓટીપી નાખવા પડશે.

કાર્ડ-ટોકનાઇઝેશન ફરજિયાત નથી અને જાે કોઇ કાર્ડને ટોકનાઇઝ કરાવવા માગતા હોય તો ઓનલાઇન ખરીદી વખતે કાર્ડ નંબર દાખલ કરવો પડશે. આરબીઆઈએ માહિતી આપી હતી કે ૧ જુલાઈ પછી, વેપારીઓ પાસેના ક્રેડિટ અને ડેબિટ કાર્ડનાં નંબરો દુર કરી દેવાશે અને તેમને પહેલાની જેમ કાર્ડ નંબરની સીધી એક્સેસ મળશે નહીં. વ્યવહારમાં, તેનો અર્થ એ થાય છે કે, દરેક ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વખતે જાે કાર્ડ-ટોકનાઇઝેશન માટેની પરમિશન આપવામાં આવી ન હોય તો કાર્ડ ડેટા જાતે જ ટાઇપ કરવો પડશે. જે ગ્રાહકોએ તેમના કાર્ડ ડેટાને ટોકનાઇઝ કરવા માટે સબ્સ્ક્રાઇબ કર્યું હોય તેમણે ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે કાર્ડ ટોકન દાખલ કરવું પડશે, ત્યારબાદ સીવીવી અને ઓટીપી નંબર દાખલ કરવો પડશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *