દર્દીના પેટમાંથી ૨૫૦ ખીલીઓ, ૩૫ સિક્કા અને પથ્થરની ચિપ્સ મળી આવી છે.
એક માનસિક વિકલાંગ વ્યક્તિ છેલ્લા ૧૫ વર્ષથી આ ખીલીઓ ખાઈ રહ્યો હતો.
પશ્ચિમ બંગાળ,તા.૨૧
પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક આવો જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યક્તિ પર સર્જરી કરતી વખતે ડૉક્ટરો પણ દંગ રહી ગયા. દર્દીના પેટમાંથી ૨૫૦ ખીલીઓ, ૩૫ સિક્કા અને પથ્થરની ચિપ્સ મળી આવી છે. એક માનસિક વિકલાંગ વ્યક્તિ છેલ્લા ૧૫ વર્ષથી આ ખીલીઓ ખાઈ રહ્યો હતો. બર્ધમાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરોએ તેમને સર્જરી કરીને દૂર કર્યા હતા. હવે તે વ્યક્તિની હાલત સ્થિર છે.
હોસ્પિટલના મળતી માહિતી અનુસાર, વ્યક્તિનું નામ શેખ મોઇનુદ્દીન છે. તે મંગલકોટ વિસ્તારનો રહેવાસી છે. ગયા શનિવારથી તેણે ખાવાનું બંધ કરી દીધું હતું. પેટમાં અસહ્ય દુખાવાને કારણે તેમને પહેલા બર્ધમાનની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પેટમાં થતા દુખાવાનું કારણ જાણતા ડોક્ટર્સ દ્વારા એક્સ-રે કરવામાં આવ્યો હતો. એક્સ રેમાં આ સમગ્ર કેસ સામે આવ્યો હતો. પરિવાર સહિત ડોક્ટરો આ જાેઈને ચોંકી ગયા હતા અને સર્જરી કરવા જણાવ્યુ હતું. આ સર્જરી કરવામાં લાખો રૂપિયાથી વધુનો ખર્ચ થશે તેવું ખાનગી હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારે મોઇનુદ્દીનને બર્ધમાન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં, હોસ્પિટલ સત્તાવાળાઓએ તેની સર્જરી માટે એક અલગ મેડિકલ ટીમ બનાવી. આ પછી ડોક્ટરોએ તેમના પેટમાંથી ૨૫૦ ખીલી, ૩૫ સિક્કા અને ઘણી પથરી કાઢી નાખી હતી. ડોક્ટરો પણ આ જાેઈને દંગ રહી ગયા હતાં.