ઓછુ ભણેલો પતિ અંગ્રેજીના મેસેજ જાેઈ પત્નીને મારતો
અમદાવાદ , તા.૨૯
અમદાવાદ શહેરની પત્નીએ મહિલા હેલ્પલાઇનની ટીમ અભયમને જાણ કરતા તેઓએ વહેમીલા પતિનું કાઉન્સેલીંગ કરી પતિની શંકાનું સમાધાન કરાવ્યું હતું. મહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧માંથી તેનો પતિ તેના પર ખોટા વહેમ કરીને ઝઘડો કરીને મારઝુડ કરે છે. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ યુવતીના ઘરે પહોંચીને પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે યુવતી પોતે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે જ્યારે પતિએ ૩ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. પરિવારની આર્થિક પરીસ્થિતિ સારી ન હોવાથી બાળકોના અભ્યાસમાં મુશ્કેલી પડતી હતી. યુવતીની વિદેશમાં રહેતી એક મિત્રને આ બાબતે જાણ થતાં તેણે યુવતીને એક મોબાઈલ ગીફ્ટ કર્યો હતો.
મોબાઈલ આવતાની સાથે જ પતિ વહેમ કરવા લાગ્યો હતો. કંપનીના મેસેજ આવે તો પણ વહેમ રાખીને મારઝુડ કરતો હતો. ઓછું ભણેલા પતિને વાંચતા આવડતું ન હોવાથી બંને વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીના પતિનું કાઉન્સેલિંગ કરી પત્ની પર ખોટી રીતે વહેમ ન કરવા સમજાવ્યા હતા. અભયમની ટીમે અંગ્રેજી મેસેજનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને પતિને બતાવ્યું હતુ. જેથી પતિને પોતાની ભુલ સમજાવતા પત્નીની માફી માંગી હતી. એટલું જ નહીં ફરી વખત પત્ની સાથે મારઝુડ નહીં કરે અને વહેમ પણ નહીં રાખુ તેવી બાહેધરી આપી હતી.
મહિલા હેલ્પલાઇનની ટીમે ઘરસંસાર બચાવી લીધો હતો. આજના યુગમાં યુવતીઓ હવે અભણ અને ઓછું ભણેલા પુરુષને પોતાનો જીવનસાથી તરીકે પસંદ કરતી જ નથી. જેનું કારણ આખા જીવન ઓછા ભણતરના લીધે લગ્નજીવનમાં તકરારો થાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં બન્યો હતો. ગ્રેજ્યુએટ યુવતીએ ત્રણ ધોરણ ભણેલા યુવક સાથે લગ્ન કર્યા હતા. યુવતીની વિદેશમાં રહેતી મિત્રએ મોબાઈલ ફોન મહિલાને ગીફ્ટમાં મોકલી આપ્યો હતો. જેમાં અંગ્રેજીમાં મેસેજ આવતા હોવાથી પતિ વહેમ રાખીને પત્ની સાથે મારઝુડ કરતો હતો.